સુરેન્દ્રનગર : ભારે વરસાદની આગાહી વચ્ચે બે દિવસથી સૌરાષ્ટ્રમાં ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે. ભારે વરસાદ વચ્ચે અનેક જગ્યાએ લોકો પાણીમાં તણાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આવો જ એક બનાવ સુરેન્દ્રનગર જિલ્લામાં બન્યો છે. અહીં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે અનેક લોકોની હાજરીમાં બે યુવકો નદીમાં તણાઇ રહ્યા છે. આ વીડિયો યુડાના બળાલા ગામનો હોવાનું સામે આવ્યું છે. અહીં જોખમી રીતે કોઝવે પાર કરવા જતાં બે યુવકો તણાયા હતા. વરસાદને પગલે ચૂડાનું બળાલા ગામ ફરીથી સંપર્ક વિહોણું બન્યું છે. સોમવારે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં તેજ પવન સાથે વરસાદી ઝાપટાં શરૂ રહ્યા હતા, તો અમુક જગ્યાએ ભારે વરસાદ પણ ખાબક્યો હતો.
દેવભૂમિ દ્વારકા : કોઝવે પરથી પશુ તણાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડેલા સાર્વત્રિક વરસાદ બાદ તારાજીના સર્જતાં દ્રશ્યો સામે આવ્યા છે. કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામે આવેલા કોઝવે પર પાણીના ધસમાતા પ્રવાહ વચ્ચે પશુઓ તણાયા હોવાનો વીડિયો વાયરલ થયો છે. કોઝવે પર પાણીના પ્રવાહમાં અનેક પશુઓ પણ તણાયા હતા. સ્થાનિક નદીમાં અનેક ભેંસો પાણીના પ્રવાહ સામે ટકી ન શકતા નદીમાં તણાઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે કોઝવે પરથી એક પછી એક પશુ તણાઈ રહ્યા છે.
ભારે વરસાદને પગલે રાજકોટના ઢાંઢણી ખાતે બેઠા પુલમાં બે વ્યક્તિ તણાયા છે. જેમાંથી એક વ્યક્તિનો બચાવ થયો છે. જ્યારે ફાયર બ્રિગેડ તરફથી બીજા યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. બંને બેઠા પુલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તણાયા હતા. યુવાનો તણાયા હોવાના લાઇવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. મળતી માહિતી પ્રમાણે ત્રંબાથી ઢાંઢણી જવાના રસ્તે રામદેવપીરના મંદિર પાસે બેઠા પુલ પરથી ધસમસતા પ્રવાહમાં બંને યુવાનો તણાયા હતા.
અરવલ્લી: ઈન્દ્રાસી નદીમાં દંપતી તણાયું
ઉત્તર ગુજરાતના અરલ્લી ખાતે ઇન્દ્રાસી નદીમાં પતિ-પત્ની પાણીમાં તણાયા છે. દંપતી બાઇક સાથે જ પાણીમાં તણાયું હતું. કોઝવે પસાર કરવા જતા બંને પાણીમાં તણાયા હતા. જોકે, ખેડૂત દંપતીનો આબાદ બચાવ થયો હતો. જે બાદમાં સ્થાનિક લોકોએ બાઇક બહાર કાઢ્યું હતું. મળતી માહિતી પ્રમાણે દર ચોમાસે લીલછા અને ભિલોડા વચ્ચે કોઝવા ઓવરફ્લો થતા સંપર્ક તૂટે છે.