દેશમાં આગામી 2024માં યોજાવા જઈ રહેલી લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત BJP દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરેન્દ્રનગર ખાતે BJP અધ્યક્ષ પાટીલની હાજરીમાં કારોબારી બેઠક યોજવામાં આવી હતી.
સુરેન્દ્રનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ તેમની પ્રથમ કારોબારી બેઠક સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સુરેન્દ્રનગર ખાતે યોજી હતી. આ કારોબારી બેઠકમાં વર્ષ 2024ની લોકસભા ચૂંટણી માટેનો રોડ મેપ તૈયાર કરવાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન આ ચર્ચા ખૂબ મહત્વની માનવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં 26 માંથી 26 બેઠકો મેળવવાની હેટ્રિક કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ ઉપરાંત, મહત્વની વાત એ છે કે, આ 26 લોકસભા બેઠક પર વિપક્ષની ડિપોઝિટ ડૂલ કરવા માટે પણ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જ્યારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સંભાળી હતી, ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠકોમાંથી 182 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેને લઈને ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીની બમ્પર જીત ભારતીય જનતા પાર્ટીના નામે નોંધાવીને 156 બેઠકો પ્રાપ્ત કરી છે. જ્યારે હવે BJPના પ્રદેશ અધ્યક્ષ પાટીલે સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યકરો સાથે ચર્ચા કરતા લોકસભા ચૂંટણીમાં 26માંથી 26 બેઠકોની હેટ્રિક સાથે વિપક્ષની ડિપોઝિટ ડૂલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ દ્વારા ડેટા મેનેજમેન્ટ અને ડેટા માયનિંગ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને તે જ અંતર્ગત 55 વિધાનસભા બેઠકોના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેના મતોનો સરવાળો થતા ભારતીય જનતા પાર્ટી યોગ્ય રીતે તેમનો સામનો કરે તે રીતે માઇક્રો પ્લાનિંગ સાથે આગળ વધી રહી છે. પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં નવા લક્ષ્યાંક સાથે નવો રેકોર્ડ બનાવવા માટે માઇક્રો પ્લાનિંગ ચાલુ કરી દીધું છે. હવે જોવાનું એ છે કે, ભારતીય જનતા પાર્ટીને 26માંથી 26 લોકસભા બેઠક પર જીતની હેટ્રિક સાથે વિપક્ષને ડિપોઝિટ ડૂલનો રેકોર્ડ પોતાના નામે નોંધાવે છે, કે નહીં?