Home /News /surendranagar /Gujarat Election 2022: લીંબડી વિધાનસભા બેઠક પર કેવુ રહ્યું છે અત્યાર સુધીનુ રાજકારણ?
Gujarat Election 2022: લીંબડી વિધાનસભા બેઠક પર કેવુ રહ્યું છે અત્યાર સુધીનુ રાજકારણ?
લીંબડી વિધાનસભામાં કુલ 2 લાખ 72 હજાર 81 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે
limbdi assembly constituency : લીંબડી બેઠક પર 2012માં સૌથી વધુ મતદાન 69.89 ટકા થયું હતું. જયારે સૌથી ઓછું મતદાન 1972માં 45.52 ટકા થયું હતું. આ બેઠક પર મોટાભાગની ચૂંટણીમાં રસાકસીનો માહોલ જોવા મળ્યો છે. વર્ષ 2002માં ભાજપના કિરીટસિંહ રાણા સામે કોંગ્રેસના ભવાનભાઈ ભરવાડ અત્યાર સુધીમાં સૌથી વધુ 19 હજાર 743 મતની લીડથી જીત્યા હતા.
Gujarat Assembly election 2022 : ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી (Gujarat Election 2022) ઈતિહાસમાં અનોખી અને ટર્નીંગ પોઈન્ટ વાળી સાબિત થવાની છે. પરંપરાગત રીતે ગુજરાતમાં ભાજપ તથા કોંગ્રેસ એમ મુખ્ય બે પક્ષ વચ્ચે સ્પર્ધા રહી છે, પણ આ વખતે આમ આદમી પાર્ટી તથા અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી પણ ચૂંટણી જંગમાં ઝંપલાવી રહી છે, જે મુખ્ય બે પક્ષના ગણિત ખોરવી શકે છે. ગુજરાતમાં રાજકીય સમીકરણો બદલાયા હોવાથી વિધાનસભાની ચૂંટણીનું વહેલું આયોજન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
ગુજરાતમાં અઢી દાયકાથી વધારે સમયથી ભાજપનું શાસન છે. કોંગ્રેસ તરફી જણાતી બેઠકોને પોતાને નામે કરવા માટે ભાજપ સસપેન્ડ થયેલા અથવા પાર્ટીને છોડીને ગયેલાને પણ પરત બોલાવી મહત્વના સ્થાન આપી રહી છે. આના પરથી સ્પષ્ટ થઈ જાય છે કે દરેક બેઠકનુ મહત્વ ખૂબ વધુ છે. આજે આપણે આ આર્ટિકલમાં લીંબડી વિધાનસભા બેઠક (Limbadi assembly seat)વિશે ચર્ચા કરીશું.
લીંબડી બેઠક અને તેનો ઈતિહાસ
લીંબડી વિધાનસભા બેઠક (limbdi assembly constituency) સુરેન્દ્રનગરમાં આવેલી વિધાનસભા બેઠક છે. અત્યાર સુધીના લીંબડી બેઠક પરના ઈતિહાસની વાત કરીએ તો આ બેઠક પર ઉમેદવારો બદલાતા રહ્યા છે. જોકે આ બેઠક ઉપર ભાજપમાંથી સૌથી વધુ વખત કિરીટસિંહ રાણા ચૂંટણી લડી ચુકયા છે. લીંબડી બેઠક હેઠળ ચુડા તાલુકો, સાયલા તાલુકો, લીંબડી ગ્રામિણ વિસ્તાર - આણંદપર, અંકેવાળીયા, બલોલ, ભલગામડા, ભોઈકા, ભોજપરા, બોડીયા, બોરણા, બોરણા, ચોકી, ચોરાણીયા, દેવપરા, ધોળી, દોલતપર, ગેડી, ખાખરેટીયા, ઘાઘોસર, ઘનશ્યામપર, હડાળા, જાખણ, જણસાલી, જસાપર, કમાલપુર, કતારપર. ખંભલાવ, તાલુકા બેઠક: લીંબડી (એમ), લીયાદ, મોટા ટીંબલા, નાના ટીંબલા, નટવરગઢ, પાંદરી, પાણશીણા, રાલોલ, રામરાજપર, સમલા, રાસ્કા, સોકા, ટોકરાળા, ઉખાલ, ઉમેદપર, ઉંટડી, વખાતપર, ઝમડીનો સમાવેશ થાય છે.
લીંબડી બેઠક પર 2012માં સૌથી વધુ મતદાન 69.89 ટકા થયું હતું. જયારે સૌથી ઓછું મતદાન 1972માં 45.52 ટકા થયું હતું. આ બેઠક પર મોટાભાગની ચૂંટણીમાં રસાકસીનો માહોલ જોવા મળ્યો છે. વર્ષ 2002માં ભાજપના કિરીટસિંહ રાણા સામે કોંગ્રેસના ભવાનભાઈ ભરવાડ અત્યાર સુધીમાં સૌથી વધુ 19 હજાર 743 મતની લીડથી જીત્યા હતા. તો સૌથી ઓછી સરસાઈ 1561 મતની વર્ષ 2012માં ભાજપના કિરીટસિંહ રાણાને કોંગ્રેસના સોમાભાઇ પટેલ સામે મળી હતી.
લીંબડી વિધાનસભા બેઠક પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલે રાજીનામું આપતાં આ બેઠક ખાલી પડી હતી અને પેટા ચુંટણી જાહેર કરવામાં આવી હતી. ત્યારે આ બેઠક પર કોળી સમાજના મતદારો સૌથી વધુ હોય ચુંટણી જાહેર થયાં બાદ કોળી સમાજ દ્વારા પોતાના ઉમેદવારને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવે તેવી માંગ સાથે બેઠકો કરી હતી. જ્યારે બીજી બાજુ સોમાભાઈ પટેલે પણ કોઈપણ ભોગે ચુંટણી લડવાની તૈયારી દર્શાવતાં રાજકારણ ગરમાયું હતું અને ભાજપ અને કોંગ્રેસ બંન્ને પક્ષો દ્વારા અંત ઘડી સુધી ઉમેદવારોના નામોની પસંદગી કરવામાં આવી નહોતી ત્યારે સૌની નજર આ બેઠકના ઉમેદવારો પર મંડાઈ હતી.
જો કે પેટાચૂંટણીના પરિણામ આવતા કોંગ્રેસના સૂપડા સાફ થયા હતા અને ભાજપના કિરીટસિંહ રાણાનો વિજય થયો હતો. વર્ષ 1995માં રાણાએ પ્રથમ વખત લીંબડીમાં ઉમેદવારી કરી હતી. આ પેટાચૂંટણીમાં આઠમી વાર ભાજપના ઉમેદવાર બન્યા હતા. વર્ષ 1995, 1998, 2007ની સામાન્ય ચૂંટણીઓ અને વર્ષ 2013 અને 2020ની પેટાચૂંટણીમાં તેઓ વિજેતા બન્યા હતા.
લીંબડી વિધાનસભામાં મતદારોની સંખ્યા
લીંબડી વિધાનસભામાં કુલ 2 લાખ 72 હજાર 81 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ મતદાતાઓમાં 1 લાખ 43 હજાર 853 પુરુષ મતદાતા, 1 લાખ 28 હજાર 194 મહિલા મતદાતા અને અન્ય 4 મતદારોનો સમાવેશ થાય છે. મતદાનને લઈને ચૂંટણી તંત્ર સજ્જ છે.
લીંબડી વિધાનસભામાં પ્રચારના મુખ્ય મુદ્દાઓ
વિધાનસભાની આ પેટા ચૂંટણીમાં ભાજપ વિકાસના મુદ્દે મેદાનમાં ઉતરી છે. જ્યારે કોંગ્રેસે ખેડૂત અને પક્ષપલટુ ઉમેદવારને મુદ્દો બનાવી પ્રચાર કર્યો હતો. મતદારોની વાત કરવામાં આવે તો મતદારો માટે સ્થાનિક ઉમેદવાર અને સ્થાનિક સમસ્યા જેવા કે, રોડ- રસ્તા, પાણી સહિતના મુદ્દાઓ મહત્વના છે.
લીંબડી વિધાનસભામાં જાતિગત સમીકરણો
સુરેન્દ્રનગર જીલ્લામાં કોળી પટેલ મતદારોની સંખ્યા વધારે હોવાથી તેમની અવગણા કરવી કોઈ પણ પક્ષને નુકસાનકારક હોઈ શકે છે. અહીં અન્ય સમાજના લોકોનુ પણ પ્રભુત્વ જોવા મળે છે જેની પણ અવગણના કરી શકાય તેમ નથી. જો કે આ બેઠક જીતવા માટે કોળી પટેલોને ખુશ કરવા અત્યંત જરૂરી છે. સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી બેઠક ભાજપ અને કૉંગ્રેસ બંને માટે અગત્યની માનવામાં આવે છે.
આ બેઠક પરથી અગાઉ કૉંગ્રેસના સોમા પટેલે ભાજપના કિરીટસિંહ રાણાને હરાવ્યા હતા. જોકે રાજ્યસભાની ચૂંટણી પહેલાં સોમા પટેલે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. વિધાનસભાની આ બેઠક પર કોળી અને ક્ષત્રિય મતદારો નિર્ણાયક ગણાતા હતા
લીંબડી વિધાનસભામાં હાર-જીતના સમીકરણો
વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
1962
પેથાભાઈ ગણેશભાઈ પરમાર
INC
1967
એચ.આર.દોરીયા
SWA
1972
હરીભાઇ રત્નાભાઇ દોરીયા
INC
1975
શાહ નંદલાલ સુંદરજી
INC
1980
દવે ત્રંબકલાલ મોહનલાલ
INC (I)
1982
આર.જે.કેસરિસિંહ
BJP
1985
જનકસીંગ ખેંગરજી રાણા
INC
1990
જીતુભા કેસરસિંહ રાણા
Bjp
1995
રાણા કિરીટસિંહ જીતુભા
Bjp
1998
રાણા કિરીટસિંહ જીતુભા
Bjp
2002
ભરવાડ ભવાનભાઇ જીવણભાઇ
Inc
2007
કિરીટસિંહ જીતુભા રાણા
Bjp
2012
સોમાભાઈ ગાંડાલાલ કોળીપટેલ
inc
2013
કિરીટસિંહ જીતુભા રાણા
Bjp
2017
સોમાભાઈ ગાંડાલાલ કોળીપટેલ
Inc
લીંબડી વિધાનસભામાં વિવાદ
લીંબડી વિધાનસભા બેઠકની પેટા ચુંટણીની પૂર્વ સંધ્યાએ સાયલા ખાતે સરકારી દવાખાનાના કંમ્પાઉન્ડમાંથી ઈંગ્લીશ દારૂ અને કાર સહિતનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડયો હતો અને જે કારમાંથી દારૂ ઝડપાયો તે કાર પર કોંગ્રેસના સ્ટીકર લગાવેલા હોય મતદારોને રીઝવવા ઈંગ્લીશ દારૂનો જથ્થો મગાવ્યો હોવાની ચર્ચાઓએ જોર પક્ડયુ હતું અને આ મામલે સાયલા પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ પણ નોંધાઈ હતી. લોકમુખે થતી ચર્ચા મુજબ મતદારોને રીઝવવા અને ઈંગ્લીશ દારૂ સહિતની લાલચ આપવા ચુંટણીની પૂર્વ સંધ્યાએ આ દારૂનો જથ્થો પુરો પાડવા મંગાવ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. તેમજ આ મામલે વધુ તપાસ કરવામાં આવે તો અનેક રાજકીય હોદ્દેદારો અને આગેવાનો સહિતનાઓના નામો બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી હતી.