આ બેઠક પર મહિલા મતદારોની સંખ્યા આશરે 1,01,114, પુરુષ મતદારોની સંખ્યા આશરે 1,15,512 છે. એમ અહીં કુલ મતદારો આશરે 2,16,626 જેટલા છે.
Dhrangadhra halwad assembly constituency : આ બેઠક ભાજપનો પરંપરાગત ગઢ સમાન રહી છે. આ બેઠક પર ભાજપનો દબદબો છે. વર્ષ 1995, 1998 અને 2002માં આઈ.કે.જાડેજા જીત્યા બાદ 2007 માં તેઓ હારી ગયા હતા. વર્ષ 1995 થી છેલ્લી પાંચ ચુંટણીમાં ચાર વખત ભાજપને જીત મળી છે
Gujarat Assembly election 2022: ગુજરાતમાં અઢી દાયકાથી વધારે સમયથી ભાજપનુ શાસન છે અને સત્તાવિરોધી લહેર મહત્ત્વનું પરિબળ બની જાય છે ત્યારે આ વખતે જંગ ફક્ત ભાજપ-કૉંગ્રેસ પૂરતો સીમિત નથી પરંતુ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ આક્રમક તૈયારીઓ કરી રહી છે. આ તમામ પરિસ્થિતી વચ્ચે ગુજરાતમાં હવે ચૂંટણીની મોસમ જોશભેર ખીલી રહી છે. છેલ્લા બે દશકાથી ગુજરાતમાં ભલે ભાજપનું શાસન હોય પરંતુ આ વખતની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ચિત્ર બપદલી શકે છે. આ તમામની વચ્ચે આજે આપણે ચર્ચા કરીશું 64 ધ્રાંગધ્રા હળવદ વિધાનસભા બેઠક વિશે (Dhrangadhra Halwad assembly seat).
ધ્રાંગધ્રા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનું એક શહેર છે, સાથે જ આ જિલ્લાના એક મહત્વના ધ્રાંગધ્રા તાલુકાનું મુખ્ય મથક પણ છે. આ સાથે જ ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પૈકી ધ્રાંગધ્રા 64 નંબરની વિધાનસભા બેઠક પણ છે. આ બેઠક સુરેન્દ્રનગરના 5 મતવિસ્તારોમાંથી એક સૌથી મહત્વનો મત વિસ્તાર ગણવામાં આવે છે. વર્ષ 2008 માં નવા સીમાંકન બાદ આ બેઠક અસ્તિત્વમાં આવી હતી. આ મતવિસ્તારમાં ધ્રાંગધ્રા અને હળવદ એમ બે તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ધ્રાંગધ્રાનો ઈતિહાસ અને ખાસિયતો
ઇ.સ. 1735 માં ધ્રાંગધ્રાની સ્થાપના કરવામાં આવી હતી. પહેલા ધ્રાંગધ્રાનુ નામ કુવા, હળવદ હતું જો કે પછીથી તેનુ નામ ધ્રાંગધ્રા-હળવદ કરવામાં આવ્યું.
મહત્વનુ છે કે 1925માં ભારતની સૌપ્રથમ સોડાએશ ફેક્ટરી અહીં સ્થાપવામાં આવી હતી. ત્યારબાદ 1939 માં તેને શ્રેયાંશ પ્રસાદ જૈને હસ્તગત કરીને ધ્રાંગધ્રા કેમિકલ વર્કસ (DCW) નામ આપવામાં આવ્યું હતું.
વર્ષ ૧૯૪૮માં ધ્રાંગધ્રા સૌરાષ્ટ્ર વિસ્તાર ઝાલાવાડ જિલ્લાનો ભાગ બન્યું અને 1956માં તેનો સમાવેશ ગુજરાતમાં કરવામાં આવ્યો હતો.
ધ્રાંગધ્રામાં ભગવતધામ ગુરુકુળ નામે ભવ્ય સંકુલ આવેલું છે. આ સંકુલમાં મંદિરની સાથોસાથ શ્રી સ્વામીનારાયણ માધ્યમિક શાળા પણ છે
ધ્રાંગધ્રામાં ખરેસ્વર મહાદેવ (નરાળી), ફૂલેસ્વર મહાદેવ, જોગાસર તળાવ, સર શ્રી અજીતસિંહજી હાઇસ્કુલ, આર્મી કેન્ટોનમન્ટ, સ્ટોન અર્ટિઝોન પાર્ક, સંત શ્રી દેસળ ભગતની જગ્યા જોવાલાયક સ્થળો છે.
ધ્રાંગધ્રા હળવદ વિધાનસભા બેઠક પર મતદારો
આ બેઠક પર મહિલા મતદારોની સંખ્યા આશરે 1,01,114, પુરુષ મતદારોની સંખ્યા આશરે 1,15,512 છે. એમ અહીં કુલ મતદારો આશરે 2,16,626 જેટલા છે.
બેઠક પર સૌથી વધુ કોળી બાદ પટેલ, દલિત અને દલવાડી સમાજના મતદારો છે. અહીં 100 ટકા મતદારોમાંથી તળપદા અને ચુવાળીયા કોળી 21.97 ટકા, પટેલ 20.26 ટકા, દલિત 10 ટકા, મુસ્લિમ 5.53 ટકા, રાજપૂત 4.61 ટકા, ક્ષત્રીય 5.67 ટકા, બ્રાહ્મણ, જૈન સોની 4.61 ટકા, દલવાડી 11.95 ટકા, ભરવાડ-રબારી 8.44 ટકા અને અન્ય 4.95 ટકા વસ્તી ધરાવે છે.
વિધાનસભાના પરિણામો
આ બેઠક ભાજપનો પરંપરાગત ગઢ સમાન રહી છે. આ બેઠક પર ભાજપનો દબદબો છે. વર્ષ 1995, 1998 અને 2002માં આઈ.કે.જાડેજા જીત્યા બાદ 2007 માં તેઓ હારી ગયા હતા. વર્ષ 1995 થી છેલ્લી પાંચ ચુંટણીમાં ચાર વખત ભાજપને જીત મળી છે, વર્ષ 2007 માં કોંગ્રેસના હીરાભાઈ પટેલ જીત્યા હતા, જોકે વર્ષ 2012માં ભાજપના જયંતીભાઈ કવાડિયાએ જીતીને ભાજપની બેઠક પુનઃ મેળવી હતી તેમજ રાજ્ય સરકારમાં તેઓ ગ્રામીણ વિકાસ મંત્રાલય પણ સંભાળી ચુક્યા છે.
વર્ષ 2012 વિધાનસભામાં ભાજપના જયંતીભાઈ કવાડિયાએ 17 હજારની જંગી લીડથી કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા હતા. જયંતીભાઈ કવાડીયાને કુલ 87,621 મતો મળ્યા હતા અને જંગી લીડથી કોંગ્રેસના જયેશભાઈ પટેલ સામે વિજયી બન્યા હતા.
વર્ષ 2017 પૂર્વે જ જયેશભાઈ પટેલે ચુંટણી નહિ લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને આના પગલે ભાજપમાંથી અન્ય ઉમેદવાર તરીકે જેરામભાઈ સોનાગરાને ચુંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. જો કે 2017 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ગઢ ગણાતી આ બેઠક કોંગ્રેસે આંચકી લીધી હતી. આ બેઠક પર 13000+ મતોની સરસાઈથી કોંગ્રેસના ઉમેદવાર પરસોત્તમ સાબરિયાએ જીતનો પરચમ લહેરાવ્યો હતો.
જો કે ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકના ઉમેદવાર અને ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું અને કોંગ્રેસ સાથે છેડો ફાડીને તે ભાજપમાં જોડાયા હતા જેના કારણે વર્ષ 2019માં અહીં ફરીથી પેટાચૂંટણી યોજવામાં આવી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના પરસોત્તમ સાબરિયાને 34000+ વોટથી વિજય મળ્યો હતો.
સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા બેઠક પર પેટા ચૂંટણીમાં 60.86 % મતદાન થયું હતું.
હાર-જીતના સમીકરણો
વર્ષ
વિજેતા ઉમેદવારનુ નામ
પક્ષ
2019
પરસોત્તમ સાબરિયા
બીજેપી
2017
પરસોત્તમ સાબરિયા
આઈએનસી
2012
કવાડિયા જયંતિભાઈ
બીજેપી
2007
પટેલ હરિલાલ
આઈએનસી
2002
આઈ કે જાડેજા
બીજેપી
1998
આઈ કે જાડેજા
બીજેપી
1995
આઈ કે જાડેજા
બીજેપી
1990
પટેલ છગનલાલ
જેડી
1985
સંઘવી અરવિંદ
આઈએનસી
1980
શાહ નગીનદાસ
આઈએનડી
1975
શાહ નાગીનદાસ
આઈએનડી
1972
શાહ નાગીનદાસ
આઈએનડી
1967
મોરાજી
એસડબલ્યુએ
1962
શુક્લ લાભાશંકર
આઈએનસી
ચુંટણી મુદા અને મુખ્ય સમસ્યા
આ વિસ્તારમાં મોટો ઉદ્યોગ ના હોવાથી બેરોજગારી મુદો બની રહેશે તે ઉપરાંત આવારા તત્વોના ત્રાસ, ભરવાડ-ક્ષત્રીય સમાજ વચ્ચે જૂથ અથડામણની ઘટનાથી સ્થાનિકોમાં સર્જાતો ભયનો માહોલ, ભૂમાફિયાઓની દાદાગીરી અને ખનીજ ચોરી જેવા મુદાઓ મુખ્ય રહેશે. આ ,વાય જો વાત કરવામાં આવે તો અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતીનો છે એવામાં અહીંના ખેડૂતો તેમને પાકના પોષણક્ષમ ભાવોના મળવાને કારણએ પરેશાન છે. આ સાથ જ પીવાના પાણી અને સિંચાઈના પાણીની પણ તકલીફનો સામનો લોકોને કરવો પડે છે. વિકાસના કામોની વાત કરવામાં આવે તો લોકો રેલવે ઓવરબ્રિજની કામગીરીને લઈને પણ અસંતોષ અનુભવે છે. સાથે જ રોડ રસ્તા બિસ્માર છે. કેટલાક છેવાળાના ગામો સુધી રોડની સુવિધા નથી અને તેયાં એસટી કે અન્ય વાહન વ્યવહારની સુવિધા પણ હજી સુધી પહોચાડવામાં આવી નથી.
ચર્ચિત મુદ્દા અને વિવાદ
ધ્રાંગધ્રા નગરપાલિકાના ચીફ ઓફીસર પાસે સ્થાનિક નગરપાલિકાના ઈલેક્ટ્રિક શાખાનો કર્મચારી વેતન અંગે રજૂઆત કરવા માટે આવ્યો હતો. ત્યારે એકાએક કર્મીએ ઉશ્કેરાઇ જઈને નગરપાલિકાના મહિલા પ્રમુખ ઉપર હુમલો કર્યો હતો. આ સમયે પાસે બેસેલા ઉપપ્રમુખ અને ચીફ ઓફીસરે કર્મીને રોકી લેતા નગરપાલિકાના પ્રમુખનો આબાદ બચાવ થયો હતો. ત્યારે બનાવ અંગે ધ્રાંગધ્રા સીટી પોલીસમાં આરોપી સામે નગરપાલિકાના પ્રમુખ દ્વારા ફરીયાદ નોંધાવી હતી. આ ઘટનામાં લક્ષ્મણભાઈ દલાભાઈ રાઠોડ સામે હુમલો કર્યાની નગરપાલિકાના પ્રમુખ કલ્પનાબેન ભાવેશભાઈ રાવલ દ્વારા સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
ધ્રાંગધ્રા તાલુકામાં પાણી પ્રશ્ને ખેડુતો અને પશુપાલકો દ્વારા સંગઠ્ઠીત થઈને વિરોધ વ્યકત કર્યો હતો. તાજેતરમાં રામપરા પછી નારીચાણા ગામે વિવિધ તાલુકાના 18 ગામના ખેડુતો-પશુપાલકોની બેઠક યોજીને પાણી પ્રશ્ને આક્રોશ વ્યકત કરવામાં આવેલ હતો. સાથે જ નર્મદાનું પાણી ન અપાય તો આંદોલન શરૂ કરીને વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી આપવામાં આવી હતી.