Home /News /surendranagar /Gujarat election 2022: ચોટીલા વિધાનસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે જબરી ખેંચતાણ
Gujarat election 2022: ચોટીલા વિધાનસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે જબરી ખેંચતાણ
રાજ્યમાં સૌથી વધુ પેટા ચૂંટણી ચોટીલા બેઠક પર થઈ છે. આ બેઠક પર વર્ષ 1952, 2000, 2009 અને 2010માં પેટા ચૂંટણી યોજાઇ હતી
chotila assembly constituency : ચોટીલા વિધાનસભા બેઠક હેઠળ બે તાલુકાઓનો સમાવેશ થાય છે. આ બેઠક ચોટીલા તાલુકાના 111 ગામ અને મૂળી તાલુકાના ગામડાઓને આવરી લેવામાં આવ્યા છે. રાજ્યમાં સૌથી વધુ પેટા ચૂંટણી ચોટીલા બેઠક પર થઈ છે. આ બેઠક પર વર્ષ 1952, 2000, 2009 અને 2010માં પેટા ચૂંટણી યોજાઇ હતી
Gujarat Assembly election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી પહોંચતા જ ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના ટોચના નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. ઠેર ઠેર જાહેર સભાઓ યોજવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. મતદારોને રીઝવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી પોતાના શાસનમાં થયેલા વિકાસ કાર્યો ગણાવી રહી છે, તો કોંગ્રેસ ભાજપ શાસન દરમિયાન થયેલી ભૂલો, ભ્રષ્ટાચાર અને બેદરકારીઓ લોકો સમક્ષ લાવવાનો પ્રયાસ કરી રહી છે.
આ સાથે જ આ વખતે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે આમ આદમી પાર્ટી અમુક બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ જેવા મોટા પક્ષોના મોટી સંખ્યામાં મત કાપી શકે છે. ત્યારે અહીં આજે ચોટીલા વિધાનસભા બેઠકની સ્થિતિ અંગે જાણકારી આપવામાં આવી છે.
ચોટીલા બેઠક ગુજરાતની 182 વિધાનસભા મતવિસ્તાર પૈકી 63મો ક્રમ ધરાવે છે. આ બેઠક સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી છે. આ જિલ્લામાં ચોટીલા ઉપરાંત વઢવાણ, લીંબડી, ધ્રાંગધ્રા અને દસાડા એમ પાંચ વિધાનસભા બેઠકો આવેલી છે. ગત વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત્ર વઢવાણની બેઠક મળી હતી. જોકે, ત્યારબાદ યોજાયેલી લીંબડી અને ધ્રાંગધ્રાની પેટા ચૂંટણીમાં ભાજપ વિજેતા બન્યું હતું. હાલ જિલ્લાની પાંચ બેઠકોમાંથી 3 ભાજપ પાસે છે.
ચોટીલા વિધાનસભા બેઠક (chotila assembly constituency) હેઠળ બે તાલુકાઓનો સમાવેશ થાય છે. આ બેઠક ચોટીલા તાલુકાના 111 ગામ અને મૂળી તાલુકાના ગામડાઓને આવરી લેવામાં આવ્યા છે.
ચોટીલાનું સાહિત્યક મહત્વ
ઝવેરચંદ મેઘાણીના લીધે ચોટીલા પોતાનું આગવું સ્થાન ધરાવે છે. મેઘાણીના જન્મ સ્થળ ચોટિલામાં મેઘાણી સ્મારક – મ્યૂઝિયમ નિર્માણ માટે રાજય સરકારે પાંચ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. મેઘાણી રચિત લોકસાહિત્ય, શૌર્ય રચના, ગદ્ય-પદ્ય, સાહિત્ય અને સ્વતંત્રતાના સંગ્રામમાં જન જુવાળ જગાવવાના મેઘાણીના પ્રદાનને આ મ્યુઝિયમના માધ્યમથી યુવાપેઢી આવનારી પેઢીમાં સદાકાળ જીવંત પ્રેરણારૂપ રાખવાનો આ પ્રયાસ મેઘાણીને યથોચિત ભાવાંજલી છે.
યાત્રાધામ ચોટીલામાં ડુંગરે માતાજીના ભાવિકો આસાનીથી દર્શન કરવા પહોંચી શકે તે રાજય સરકાર દ્વારા રોપ - વે બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા આ રોપ-વેની કામગીરી મામલે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. ટ્રસ્ટનું કહેવુ છે કે, અગાઉ જે કંપની પાસેથી રોપ-વે પ્રોજેકટનો ડ્રાફટ ઓર્ડર પરત લેવાયો હતો, તેને જ ફરી રોપ-વે માટેનો ડ્રાફટ ઓર્ડર છૂપી રીતે આપવામાં આવ્યો છે.
પંથકમાં થયેલી ચૂંટણીઓ
સુરેન્દ્રનગર જિલ્લામાં તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતની ખાલી પડેલી સીટો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. આ પેટા ચૂંટણીના પરિણામથી લખતર તાલુકા પંચાયતમાં ભાજ૫ની જીત થઈ હતી. બીજી તરફ ચોટીલા તાલુકા પંચાયત તાલુકા કોંગ્રેસનો વિજય થતા કોંગ્રેસ પક્ષ મજબૂત બન્યો છે.
અહી ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં સૌથી વધુ પેટા ચૂંટણી ચોટીલા બેઠક પર થઈ છે. આ બેઠક પર વર્ષ 1952, 2000, 2009 અને 2010માં પેટા ચૂંટણી યોજાઇ હતી. ચોટીલા વિધાનસભા બેઠક પર અત્યાર સુધીમાં 16 વખત ચૂંટણીઓ થઈ ચૂકી છે. આ બેઠક પર વર્તમાન સમયે કોંગ્રેસનાના ઋત્વિક મકવાણા ધારાસભ્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. ગત 2017 વિધાનસભા ચૂંટણીમાં ઋત્વિક મકવાણા સામે ભારતીય જનતા પાર્ટીએ ઝીણાભાઈને ટિકિટ આપી હતી. જેમાં ઋત્વિક મકવાણાને 79,960 વોટ મળ્યા હતા જ્યારે ઝીણાભાઈને 56073 મત મળ્યા હતા. જ્યારે 2012માં આ બેઠક ભાજપ પાસે હતી. ત્યારે શામજીભાઈ ચૌહાણ ભાજપના ધારાસભ્ય હતા. તે સમયે દેવજી ફતેપુરા કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા. તેમનો 12,000 થી વધુ મતથી પરાજય થયો હતો.
વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
2017
મકવાણા ઋત્વિકભાઈ લવજીભાઈ
કોંગ્રેસ
2012
શ્યામજીભાઈ વીરજીભાઈ ચૌહાણ
ભાજપ
2010 (પેટા)
કે બી વશરામભાઈ
ભાજપ
2009 (પેટા)
કે વી હરજીભાઈ
ભાજપ
2007
પોપટભાઈ સેવિશભાઈ જીજારીયા
કોંગ્રેસ
2002
જીંજરી પોપટભાઈ સાવદભાઈ
અપક્ષ
2000 (પેટા)
મકવાણા મહેશકુમાર
ભાજપ
1998
સવિષભાઈ કાનજીભાઈ મકવાણા
કોંગ્રેસ
1995
કરામસિંહ કાનજીભાઈમક્વાણા
કોંગ્રેસ
1990
કરમસિંહ કાનજીભાઈ મકવાણા
જનતાદળ
1985
કરમસિંહ કાનજીભાઈ મકવાણા
અપક્ષ
1980
મકવાણા કર્મસિન્હ નજીબભાઈ
કોંગ્રેસ
1975
મકવાણા કરીંદભાઈ કાનજીભાઈ
કોંગ્રેસ
1972
કરમશીભાઇ કાનજીભાઈ
કોંગ્રેસ
1967
ધર્મેન્દ્રસિંહજી
એસડબ્લ્યુએ
1962
ત્રમ્બકશા મોહનલાલ દવે
કોંગ્રેસ
ભાજપે ડેમેજ કંટ્રોલ કર્યું
2017ની ચૂંટણીમાં ભાજપને સૌરાષ્ટ્રની જે બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો હતો. તે પૈકીની ઘણી બેઠકોમાં ભાજપે પાંચ વર્ષમાં ઘણું ડેમેજ કંટ્રોલ કરવા પ્રયાસ કર્યા છે. ઉપરાંત આ ચૂંટણીમાં ખાસ કરીને ‘પાટીદાર ફેકટર’ ભાજપને નડશે નહીં તેવો સંકેત છે. 2015ના પાટીદાર અનામત આંદોલન અને તે બાદની અસર 2017માં જોવા મળી હતી અને તે બાદ 2021ના પ્રારંભે ભાજપે પંચાયત, પાલિકા ચૂંટણીમાં ક્લીન સ્વીપની સ્થિતિ બનાવી હતી. અત્યારે પક્ષ માટે સૌરાષ્ટ્રની ચિંતા ફકત પક્ષમાં ‘સંકલન’ કોણ કરે તેના પર છે. આ બેઠક પર જબરી ખેંચતાણ મળતી હોવાથી આ બેઠક પર વધુ ધ્યાન આપવું પડે છે.
જ્ઞાતિ-જાતિના સમીકરણો
આ બેઠક પર તળપદા કોળીનું પ્રભુત્વ વધુ છે. તળપદા કોળીની સંખ્યા 78,000 છે. જ્યારે ભરવાડ-રબારી 24,000, ચુ.કોળી (ઠાકોર) 23,000, એસ.સી. 22,000, કાઠીદરબાર 15,000, ગીરાસદાર ક્ષત્રિય 10,000, રજપુત 8,000, પ્રજાપતિ 7,500, કડવા પટેલ 7,000, દલવાડી 6,500, મુસ્લીમ 6,500, દેવીપુજક,સાધુ, વાણંદ,સુથાર, દરજી અન્ય ઓબીસી મળી 15,900 જ્યારે લેઉવા પટેલ, જૈન, બ્રાહ્મણ, લોહાણા સોની, કંસારા 8,600 મતદારો છે.
ચોટીલા બેઠકની સમસ્યાઓ
ચોટીલા પંથકના ગ્રામ્ય વિસ્તારોના લોકો પોસ્ટની વિવિધ કામગીરીને લઈ નારાજ છે. લાઇટ-ફોન-બિલ ભરવા રોજ ચોટીલા પોસ્ટ કચેરીએ આવવાના પ્રશ્ને વિવાદ ઉભો થયો છે. ચોટીલા પોસ્ટ કચેરી દ્વારા શહેરમાં નવી પોસ્ટ કચેરી બિલ્ડિંગ બનાવવા ચોટીલા નગરપાલિકાની બાજુમાં વર્ષોથી જમીન તો લીધી છે, પણ ત્યાં ગ્રાહકોને ચાલવા અંગે પોસ્ટ કચેરીને અગાઉ ગ્રામપંચાયત તથા હાલ નગરપાલિકા સાથે વિવાદ ચાલતો હોવાથી સમગ્ર મામલો વર્ષોથી ગૂંચવાયો છે.
આ મતવિસ્તારમાં રોજગારીનો પ્રશ્ન યુવાનો માટે ખૂબ જ મોટી સમસ્યા છે. અહીં મોટા ઉદ્યોગો નથી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકોને રોજગારી અને નોકરીની શોધમાં સ્થળાંતર કરવાની ફરજ પડે છે.