SSC Board Result 2023: રેન્દ્રનગર શહેરની એસ.એન.વિદ્યાલયના 09 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડમાં 99.95 PR થી 99.19 PR મેળવી શાળાનુ નામ રોશન કર્યું છે. તેમજ બોર્ડમાં પણ 05મો, 07મો અને 09મા ક્રમે ઉતીર્ણ થયા છે.
અક્ષયકુમાર જોશી, વઢવાણ: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ 2023માં લેવાયેલ ધોરણ 10 એસ.એસ.સી બોર્ડની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર જીલ્લાનુ 69.42% પરિણામ જાહેર થયુ છે. ત્યારે વઢવાણ ખાતે રહેતા અને કડિયા કામ કરી ગુજરાન ચલાવતા પરિવારની વિદ્યાર્થીનીએ બોર્ડમાં ટોપમાં સ્થાન મેળવી A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળા તેમજ પરિવારનુ નામ રોશન કર્યું છે.
સુરેન્દ્રનગરમાંથી A1 ગ્રેડમાં 131 સ્થાન મેળવ્યું
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ 2023માં લેવામાં આવેલ ધોરણ 10 SSC બોર્ડની પરીક્ષાનુ પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર જીલ્લામાંથી A1 ગ્રેડમાં 131, A2 ગ્રેડમાં 980 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યુ છે. સુરેન્દ્રનગર શહેરની એસ.એન.વિદ્યાલયના 09 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડમાં 99.95 PR થી 99.19 PR મેળવી શાળાનુ નામ રોશન કર્યું છે. તેમજ બોર્ડમાં પણ 05મો, 07મો અને 09મા ક્રમે ઉતીર્ણ થયા છે.
ઉલ્લેખનીય છે કે, વઢવાણ વિસ્તારમાં રહેતા અને કડીયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ઘનશ્યામભાઈ હડીયલની દીકરી નેન્સી હડિયલે કોઈપણ ટ્યુશન વગર માત્ર એસ.એન.સ્કૂલના શિક્ષકોના શિક્ષણ અને માર્ગદર્શન તેમજ દરરોજની અંદાજે 03 થી 04 કલાકની મહેનતથી ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડ મેળવી શાળા, પરિવાર સહિત સમગ્ર ઝાલાવાડનુ નામ રોશન કર્યું છે.
માતા-પિતાએ શાળા અને શિક્ષકોનો આભાર માન્યો
જ્યારે વિદ્યાર્થિનીના પિતા ઘનશ્યામભાઈ સહિત માતા અને શાળા સંચાલક તેમજ શિક્ષકોએ વિદ્યાર્થીનીને મો મીઠું કરી અભિનંદન તેમજ શુભકામનાઓ પાઠવી હતી. તેમજ પિતાએ અન્ય વાલીઓને પણ પોતાની દીકરીને ઉચ્ચ અભ્યાસ કરાવવા અપીલ કરી હતી. જ્યારે વિદ્યાર્થિની નેન્સીએ પોતાના શ્રેષ્ઠ પરિણામ બદલ માતા પિતા અને શાળા સંચાલક તેમજ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં એડમીશન લઈ ભવિષ્યમાં એન્જીનીયર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.