Home /News /surendranagar /માજી સરપંચની હત્યાના ગુનામાં સંડોવાયેલા દાદા, પુત્ર અને પૌત્રની પોલીસે કરી ધરપકડ
માજી સરપંચની હત્યાના ગુનામાં સંડોવાયેલા દાદા, પુત્ર અને પૌત્રની પોલીસે કરી ધરપકડ
માજી સરપંચની કરી હતી હત્યા
Surendranagar Murder Case: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના શેખલીયા ગામે પૂર્વ સરપંચની હત્યાનો બનાવ સામે આવ્યો છે. સુરેન્દ્રનગર પોલીસ દ્વારા હત્યામાં સંડોવાયેલા એક જ પરિવારના દાદા, પુત્ર અને પૌત્રને હત્યાના બનાવવામાં ગણતરીની કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના શેખલીયા ગામે પૂર્વ સરપંચની હત્યાનો બનાવ સામે આવ્યો છે. ચૂંટણીનો ખાર રાખી પૂર્વ સરપંચ ગોવિંદભાઈ ગોળીયાની હત્યા કરવામાં આવી હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં મૃતકના પુત્ર જેરામ ગોળીયા અને અન્ય પરિવારજનોએ જણાવ્યું હતું કે, ‘ગ્રામ પંચાયતમાં ચૂંટણી સમયે ફોર્મ પાછું ખેંચવા સહિતની બાબતનો ખાર રાખી હત્યા કરવામાં આવી છે. તેમજ હત્યા કરવા મામલે ગાંડુભાઈ ભીમાભાઇ તેમજ તેનો પુત્ર રજનીભાઈ ગાંડુભાઈ અને ભરત નામના શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી છે.’ કુહાડીના ઘા મારી હત્યા નીપજાવવામાં આવી હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે.
પોલીસે હત્યારાઓની કરી ધરપકડ
આ સમગ્ર મામલે મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. તેમજ સુરેન્દ્રનગર પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલત સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ઇન્ડિયન પીનલ કોડની ધારા 302, 504, 506 (2) તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હોવાનું પણ સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ગાંડુભાઈ ભીમાભાઇ કુમરખાણીયા, રજનીભાઈ ગાંડુભાઈ કુમરખાણીયા અને ભરત રજનીભાઈ કુમરખાણીયાને ઝડપી પાડી તેમની પૂછપરછ હાથ ધરી છે. આમ, સુરેન્દ્રનગર પોલીસ દ્વારા હત્યામાં સંડોવાયેલા એક જ પરિવારના દાદા, પુત્ર અને પૌત્રને હત્યાના બનાવવામાં ગણતરીની કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા છે. આ સાથે સાથે તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.
બીજી તરફ મૃતકની લાશને પરિવારજનોને સોંપવામાં આવતા પરિવારજનો મૃતકની લાશને લઈ શેખલિયા ગામે પહોંચ્યા હતા. જ્યાં તેમના સમાજના રીતિ રિવાજ મુજબ અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા. જે સમયે મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ કુટુંબીજનો એકઠા થયા હતા. બીજી તરફ ગામમાં કોઈ અન્ય અનઇચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. આમ, હત્યાના ગુનામાં દાદા પોતાના પુત્ર અને પૌત્ર સાથે હવે જેલવાસ ભોગવશે.