સુરેન્દ્રનગર: હાલ વિરમગામના ધારાસભ્ય અને પાટીદાર અનામત આંદોલનના મુખ્ય સૂત્રધાર હાર્દિક પટેલ વિરુદ્ધ ધ્રાંગધ્રા કોર્ટે ધરપકડ વોરંટ ઇસ્યૂ કર્યું છે. ધ્રાંગધ્રાના હરીપર ગામે પાટીદાર અનામત આંદોલન સમયે પાસની સભા દરમિયાન આચાર સંહિતાનો ભંગ થતા તાલુકા પોલીસ મથકે હાર્દિક પટેલ સામે કેસ દાખલ કર્યો હતો. ધ્રાંગધ્રા પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટમાં કેસની મુદત દરમિયાન હાર્દિક પટેલ હાજર ન રહેતા કોર્ટે ધરપકડ અંગેનું વોરંટ ઇસ્યુ કર્યું છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ધ્રાંગધ્રા તાલુકાનાં હરિપર ગામે પાટીદાર અનામત આંદોલન સમયે પાસની સભા યોજાઇ હતી. આ સમયે હાર્દિક પટેલે આચાર સંહિતાનો ભંગ કરતા તાલુકા પોલીસ મથકમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં ધ્રાંગધ્રા પાસના પ્રમુખ કૌશીક પટેલ અને હાર્દિક પટેલ ઉપર કેસ નોંધાયો હતો. આ કેસ ધ્રાંગધ્રા પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટમાં ચાલતો હતો. જેમાં મુદત દરમિયાન હાર્દિક પટેલ હાજર ન રહેતા કોર્ટે ધરપકડ અંગેનું વોરંટ ઇસ્યુ કર્યું છે. જોકે, હવે જોવાનું એ રહેશે કે, પોલીસ હાર્દિક પટેલની ધરપકડ કરે છે કે નહીં?
નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂટંણી વખતે ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં હાર્દિક પટેલ વિશે કેટલીક માહિતી સામે આવી હતી. જેમાં હાર્દિક પટેલ સામે રાજદ્રોહના બે કેસ સહિત 20 કેસ નોંધાયેલા છે. જ્યારે હાર્દિક પટેલે એફિડેવિટમાં પોતાની કુલ સંપત્તિ 61.48 લાખ દર્શાવી હતી.
હાર્દિક પટેલ પર 20 ફોજદારી કેસ પેન્ડિંગ છે. 2015માં જ્યારે હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલનનું નેતૃત્વ કર્યું ત્યારે તેની સામે આ કેસ નોંધાયા હતા. આ 20 કેસમાંથી નવ કેસમાં બે વર્ષ કે તેથી વધુની સજા થઈ છે.
સુરત અને અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન તેમની સામે નોંધાયેલા 20માંથી બે કેસ રાજદ્રોહના કેસ છે. આ સિવાય હાર્દિક પટેલ સામે 11 ફોજદારી કેસ પેન્ડિંગ છે જેમાં બે વર્ષથી ઓછી સજા થઈ છે.