Surendranagar Robbery: રતનપરમાં હોટલ માલિક પાસે ખંડણી માંગી લૂંટના બનાવની શાહી સુકાઇ પણ નથી ત્યાં ફરી એક લૂંટનો બનાવ સામે આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના કરીયાણાના વેપારી પાસેથી રૂપિયા 5.50 લાખની લૂંટ થતા સમગ્ર પંથકમા ભારે ચકચાર મચી છે. આ મામલે ઝીંઝુવાડા પોલીસ મથકે લૂંટ અંગેની ફરીયાદ નોંધાઈ છે.
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના મુલાડા ગામ નજીક કરીયાણાના વેપારીની કારને આંતરી ચાર શખ્સો રૂપિયા 5.50 લાખ રોકડાની લૂંટ ચલાવી છુમંતર થઇ જતાં ચકચાર મચી ગઇ છે. ભોગ બનનાર વેપારીએ ઝીંઝુવાડા પોલીસ મથકે લૂંટ અંગેની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતીમાન કર્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
હોલસેલ કરીયાણાની દુકાનના વેપારી લૂંટાયો
રતનપરમાં હોટલ માલિક પાસે ખંડણી માંગી લૂંટના બનાવની શાહી સુકાઇ પણ નથી ત્યાં ફરી એક લૂંટનો બનાવ સામે આવ્યો છે. પાટડીમાં રહેતા રાજેન્દ્રકુમાર પ્રેમચંદભાઇ શાહ પાટડી શહેરમાં હોલસેલ અનાજ કરીયાણાની દુકાન ચલાવે છે. તેઓ સમગ્ર તાલુકામાં નાના વેપારીઓને હોલસેલમાં માલનું વેચાણ કરે છે, જેથી તેઓ પોતાની સાથે રોકડ રકમ રહેતી હોય છે, કારણ કે, તેઓ નિયમિત અલગ અલગ ગામોમાં ઉઘરાણી માટે જતાં હોય છે. મંગળવારે સાંજના સમયે વિસાવડી, મુલાડા સહીતના ગામોમાં પોતાની કારમાં ડ્રાઇવરને સાથે લઈ ઉઘરાણી માટે ગયાં હતાં. જ્યાંથી સાંજના સમયે પરત ફરી રહ્યા હતા.
આ દરમિયાન મુલાડા ગામ નજીક એક ઇકો કાર ધસી આવી અને તેમની કારને આંતરી હતી. કારમાંથી ચાર શખ્સો ઉતરી આવ્યા અને એક બુકાનીધારીએ રાજેન્દ્રભાઈ કઈ પણ સમજે તે પહેલા જ તેમની કારની ચાવી કાઢી લીધી હતી. આ સાથે અન્ય શખ્સોએ ઉઘરાણીના રોકડા રૂપિયા 5.50 લાખ ભરેલી બેગ ઝુંટવી લીધી હતી. ડ્રાઇવર તેમજ વેપારી પોતાનો કોઈ પણ પ્રતિકાર કરે તે પહેલા તો ગણતરીની મિનિટમાં સાડા પાંચ લાખ રૂપિયાની લૂંટ ચલાવી આરોપીઓ રફુચક્કર થઇ ગયાં અને લૂંટના બનાવ અંગે વેપારી તાત્કાલિક કોઈને જાણ ન કરી શકે તે માટે ગાડીની ચાવી, વેપારીનો મોબાઇલ સહીતની વસ્તુઓ પણ લૂંટી ગયા હતાં.
ઝીંઝુવાડા પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
લૂંટનો ભોગ બનનાર વેપારી રાજેન્દ્રભાઈએે આ બનાવ અંગે ઝીંઝુવાડા પોલીસને જાણ કરતા પોલીસે હાલ તો લૂંટના બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિસાવડી પાટડી રોડ પર અગાઉ પણ બે ત્રણ વેપારીઓ લૂંટાયા હોવાની ચર્ચા છે, કોઈ ચોક્કસ ગેંગ રેકી કરી લૂંટને અંજામ આપતી હોય તેવી પોલીસને શંકાઓ થઈ રહી છે. ત્યારે પોલીસ આ ગુનાનો ભેદ ઝડપથી પૂર્ણ કરે અને આરોપીઓને જેલ ભેગા કરે તેવી માંગ પણ થઈ રહી છે.