Home /News /surendranagar /સુરેન્દ્રનગર: ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતનું મનદુખ રાખી બે જુથ વચ્ચે લોહીયાળ અથડામણ, એકનું મોત
સુરેન્દ્રનગર: ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતનું મનદુખ રાખી બે જુથ વચ્ચે લોહીયાળ અથડામણ, એકનું મોત
જગદીશભાઇના મોતને લઇને હોસ્પિટલ તેમજ દેવચરાડી ગામે સમાજના લોકોના ટોળા ઉમટી પડ્યાં હતા.
Surendranagar: જગદીશભાઇના મોતને લઇને હોસ્પિટલ તેમજ દેવચરાડી ગામે સમાજના લોકોના ટોળા ઉમટી પડ્યાં હતા ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.
અક્ષય જોશી, સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દેવચરાડી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતનુ મનદુખ બાબતે બે અલગ-અલગ જ્ઞાતિના જુથ વચ્ચે થયેલી અથડામણ લોહીયાળ બની હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતુ. જ્યારે મહિલા સરપંચ તેમજ તેમના પરિવારના કુલ 4 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતાં.
યુવાનની હત્યાને પગલે પરિવારજનોએ આરોપી ન પકડાય તેમજ જવાબદાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ ન કરાય ત્યાં સુધી લાશ સ્વિકારવાનો ઇનકાર કરી દેતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.
ધ્રાંગધ્રા તાલુકાના દેવચરાડી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતે બે અલગ અલગ જ્ઞાતિના જુથ વચ્ચે મનદુખ ચાલતુ હતુ. જે બાબતે રવિવારે મોડી સાંજે બન્ને જુથ વચ્ચવ થયેલી બોલાચાલી બાદ બન્ને જુથ સામસામે આવી ગયાં હતાં. જેમાં ઉશ્કેરાયેલા પંકજ ફુલાભાઇ પરાલીયા, કિશોરભાઇ અરજણભાઇ પરાલીયા સહીતનાઓ દ્વારા મહિલા સરપંચ મણીબેન વાલજીભાઇ તેમજ તેમના પતિ વાલજીભાઇ રામજીભાઇ, ધર્મેન્દ્ર રાઠોડ અને જગદીશભાઇ પરમાર પર હુમલો કર્યો હતો. જેમાં જગદીશભાઇને ગંભીર ઇજાઓ થતાં મોત થયું હતુ. જ્યારે મહિલા સરપંચ સહીતના વ્યક્તિઓને ઇજાઓ થતાં સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ લઇ જવાયા હતાં.
જગદીશભાઇના મોતને લઇને હોસ્પિટલ તેમજ દેવચરાડી ગામે સમાજના લોકોના ટોળા ઉમટી પડ્યાં હતા ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. સરપંચ અને તેમના પરિવારજનો પર હીચકારા હુમલાને લઇને પરિવારજનો તેમજ સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ધ્રાંગધ્રા શહેર બંધનું એલાન આપવામાં આવ્યું હતુ. જેમાં મોટા ભાગે બજારો બંધ જોવા મળી હતી.
અગાઉ પણ બન્ને જુથ વચ્ચે માથાકુટ બાબતે પોલીસ દ્વારા યોગ્ય પગલા ન લેવાતા હત્યાનો બનાવ બન્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો અને આથી જ જવાબદાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ ન કરવામાં આવે અને તમામ આરોપીની ધરવામાં કરવામાં ન આવે ત્યાં સુધી પરિવારજનોએ લાશ સ્વિકારવાનો ઇનકાર કરી દીધો હતો. જેને લઇને પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી ગઇ હતી. આગામી ટુંક સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે બે જ્ઞાતિ વચ્ચએ વૈમનસ્ય ન ફેલાય તે માટે જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ સહીતના ધ્રાંગધ્રા દોડી આવ્યા હતા અને મૃતકના પરિવારજનોને સમજાવવા બેઠકોનો દોર શરૂ કર્યો હતો પરંતુ તમામ બેઠકો નિષ્ફળ ગઇ હતી અને પરિવારજનોએ ન્યાય ન મળે ત્યાં સુધી લાશ સ્વિકારવાનો ઇનકાર કરી દેતા તંત્ર અને આગેવાનો માટે પણ મુંઝવણભરી સ્થિતિ સર્જાઇ છે.