Surat News: હિંમત ભાઈએ આક્ષેપ કર્યા હતા કે એક યુવક પાસેથી વ્યાજે લીધેલા નાણાના કારણે પઠાણી ઉઘરાણીના ફોન આવતા હોવાથી પરેશાન થઈ આપઘાત કરવા ફિનાઈલ પી લીધું હતું. સુસાઇડ નોટ લખી ફિનાઇલ ગટગટાવી લીધી હતી. મળતી વિગતો પ્રમાણે અત્યારે હિંમત ભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સુરત: સુરત પોલીસ વ્યાજખોરો સામે તવાઈ બોલાવી રહી છે તેવામા સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા હિંમત ભાઈ વડાલીયાએ ફિનાઈલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. હિંમત ભાઈએ આક્ષેપ કર્યા હતા કે એક યુવક પાસેથી વ્યાજે લીધેલા નાણાના કારણે પઠાણી ઉઘરાણીના ફોન આવતા હોવાથી પરેશાન થઈ આપઘાત કરવા ફિનાઈલ પી લીધું હતું. સુસાઇડ નોટ લખી ફિનાઇલ ગટગટાવી લીધી હતી. મળતી વિગતો પ્રમાણે અત્યારે હિંમત ભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સતત ત્રણ વર્ષ સુધી વ્યાજ ચૂલવ્યું હતું
સુરતમાં વ્યાજખોરોનો આતંક યથાવત હોય તેવું લાગી રહ્યું છે. મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને લેડીઝવેરની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હિંમત વડાલીયા નામના યુવકે આજથી 6 વર્ષ પહેલા અશોક ભાઈ ગોયાણી નામના વ્યક્તિ પાસેથી 25 લાખ રૂપિયા 4 ટકા લેખે વ્યાજે લીધા હતા. જેમાં ગેરેન્ટીમાં પોતાનું ઘર ગીરવે મૂક્યું હતું. ત્રણ વર્ષ સુધી રેગ્યુલર વ્યાજ પણ આપ્યું હતું. ત્યારબાદ તેમનું મકાન અશોક ભાઈ ગોયાણી નામના વ્યક્તિએ પડાવી લીધું હોવાના આક્ષેપ હિંમત ભાઈએ કર્યા હતા.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એક વ્યક્તિ પોલીસ બનીને પણ વાત કરે છે. પોલીસ મથકે પણ વારંવાર બોલાવે છે. જેથી તેમણે સુસાઇડ નોટ લખી ફિનાઇલ પી લીધું હતું. જેથી તેમને સારવાર અર્થે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, સુરત પોલીસ કમિશનર વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે. જોકે હિંમત ભાઈએ જે પ્રકારે સુસાઇડ નોટ લખી છે તેમાં બે નંબર લખ્યા છે એક અશોક ભાઈનો લખ્યો છે જ્યારે બીજો નંબર લખ્યો છે તે પોલીસ જવાનના છે તેવું દર્શાવ્યું છે.
આ મામલે ચોક્કસ કહી શકાય કે જો પોલીસ જ આ પ્રકારે દબાણ કરશે તો વ્યક્તિ જશે તો ક્યાં જશે? હિંમત ભાઈએ હોસ્પિટલના બિછાનેથી ન્યાયની માંગ કરી હતી. સુસાઇડ નોટમાં પણ સુરત પોલીસ કમિશનર તેમજ ગૃહ મંત્રી પાસે ન્યાયની માંગ કરી હતી. જો આ મામલે યોગ્ય તપાસ થાય તો હકીકત સામે આવે અને યોગ્ય ન્યાય મળે. અત્યારે તો તે લોકો ન્યાયની માંગણી કરી રહ્યા છે.