Home /News /surat /વલસાડ: કાળી વિદ્યા કરનાર ભગતનું કેમ કરાયું હતું અપહરણ? થયો ચોંકાવનારો ખુલાસો

વલસાડ: કાળી વિદ્યા કરનાર ભગતનું કેમ કરાયું હતું અપહરણ? થયો ચોંકાવનારો ખુલાસો

પોલીસે પૂજારી ભગતના અપહરણના મામલામાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે.

Valsad Crime: જિલ્લાના કાકડ કોપર ગામમાં ગામના એક મંદિરના પૂજારી ભગતના થયેલા અપહરણનો મામલો આખરે વલસાડ જિલ્લા પોલીસે ઉકેલી નાખ્યો છે.

  ભરતસિંહ વાઢેર, વલસાડ: જિલ્લાના કાકડ કોપર ગામમાં ગામના એક મંદિરના પૂજારી ભગતના  થયેલા અપહરણનો મામલો આખરે વલસાડ જિલ્લા પોલીસે ઉકેલી નાખ્યો છે. 20મી સપ્ટેમ્બરના રોજ થયેલા અપહરણના રહસ્યો પરથી પોલીસે પડદો ઉચકતા ખૂદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે પૂજારી ભગતના અપહરણના મામલામાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે. જોકે, અપરણનું કારણ જે જાણવા મળ્યું તે જાણીને ખૂદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. શું હતું આ ભગતના અપહરણનો રાજ? અને ખુદ ભોગ બનનાર ભગતના શું હતા કારનામા?

  વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કાકડકોપર ગામના એક મંદિરના પૂજારી ભગતનું ગઈ 20મી સપ્ટેમ્બરના રોજ અપરણ થયું હતું. 20મી તારીખે વાપી નાનાપોંઢા રોડ પર કાકડ કોપર ગામના રિતેશભાઈ ઉર્ફે ભગત ચાની લારી પર ઉભા હતા. તે વખતે જ એક નંબર વિનાની ઇકો કારમાં આવેલા પાંચ અજાણ્યા શખ્સોએ આ ભગતનું અપરણ કરી વાપી તરફ ભાગી છૂટ્યા હતા. જોકે, ત્યાર બાદ તેમનો કોઈ પતો ન લાગતાં આખરે અપરણનો ગુનો દાખલ થયો હતો.

  આમ, ભગતનું અચાનક જ અપહરણ થતાં સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી અને અપહરણનો ભેદ ઉકેલવા જિલ્લાની એલસીબી, એસઓજીની સાથે નાનાપોન્ઢા પોલીસ અને જિલ્લાના અને પોલીસ અધિકારીઓની ટીમ કામે લાગી હતી. જોકે, અપરણ બાદ ભોગ બનનાર ભગત રીતેશ ઈજાગ્રસ્ત હાલતમાં વાપી નજીક વલવાડા હાઇવે પરથી રાત્રે મળી આવ્યા હતા. આ કેસની તપાસ કરી રહેલી પોલીસે બાતમીદારો અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ મામલાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે અને પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. અપરણના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ મનીષભાઈ મનુભાઈ વડવી, પ્રદીપભાઈ બાબુભાઈ ગવળી, અમિતભાઈ રાજેશભાઈ વારલી, જયેશભાઈ ઉર્ફે અંકો શિવભાઈ, અને મહેશભાઈ અમૃતભાઈ વારલી નામના આરોપીઓની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસે ભગતનું જે ઇકો ગાડીમાં અપહરણ કરવામાં આવ્યું હતું તે ઇકોગાડી અને રોકડ રકમ સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ 3.12 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કરી આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરી હતી.

  આ પણ વાંચો: સુરત: ઝૂંપડામાં ચોરખાનું બનાવી સંતાડ્યો હતો 30 લાખનો ગાંજો, બે આરોપીની ધરપકડ

  આરોપીઓની ધરપકડ બાદ પોલીસની આગવી ઢબે થયેલી પૂછપરછમાં ભગતના અપહરણનો ભેદ ઉકેલાયો છે અને ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, અપહરણનો ભોગ બનનાર રીતેશભાઈ ઉર્ફે ભગત કાકડ કોપર ગામમાં રહેતા હતા અને મંદિરમાં પૂજા પાઠ કરતા હતા. સાથે જ દોરા ધાગા અને મેલી વિદ્યાના બહાને લોકો પાસેથી મોટી રકમ લઈ અને તે કાળા જાદુના પ્રયોગ પણ કરતા હતા. જોકે, સત્તાવાર રીતે હજુ પોલીસ કહેવા તૈયાર નથી, પરંતુ ચર્ચા મુજબ ભોગ બનનાર રિતેશભાઈ ઉર્ફે ભગત કાળી વિદ્યાના આધારે રૂપિયાનો વરસાદ કરાવવાના બહાને અનેક લોકોને લાલચ આપી અને રૂપિયા લીધા હતા. ત્યાર બાદ તેમણે ગામમાં આલીશાન મકાન અને ગાડી પણ વસાવી હતી. આથી જ આ ભગતના જ ગામના પ્રદીપભાઈ ગવળી નામના વ્યક્તિને એ સેલવાસના ભુરકુંઠ ફળિયામાં રહેતા મનીષભાઈ વડવી નામના એક વ્યક્તિ સાથે વાત કરી હતી અને રિતેશ ભગત પાસે 10 કરોડથી વધુ રૂપિયાની રકમ મળી શકે તેવી તેવું જણાવ્યું હતું. આથી ભગતના અપહરણ બાદ મોટી રકમ ખંડણી વસૂલવાના લાલચે આરોપીઓએ સાથે મળીને ભગતનું અપહરણ કર્યું હતું.

  આરોપીઓ ભગતનું અપહરણ કરીને નંદીગ્રામ નજીક આવેલા એક ડુંગર પર આવેલા એક ઝૂંપડામાં લઈ ગયા હતા અને માર માર્યો હતો. સાથે જ ડરાવી ધમકાવી પૈસાની માંગણી કરી હતી. પરંતુ પૈસાની વ્યવસ્થા થઈ ન હતી અને ભગતની તબિયત પણ ખરાબ થતા આરોપીઓ ભગતને વલવાડા બ્રિજ પાસે રાત્રિના સમયે ઉતારી અને ફરાર થઈ ગયા હતા. તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ ગુનામાં ભોગ બનનારના જ ગામના વતની અને તેમના પડોશી પ્રદીપ ગવળી જે ભગતની કાળી વિદ્યા દ્વારા થતી કમાણીથી વાકેફ હતા. એક વર્ષ અગાઉ પણ ભગતનું આવી રીતે જ અપહરણ થયું હતું અને તે વખતે આ ગુનાનો માસ્ટર માઇન્ડ પ્રદીપ માંડવાલીમાં સાથે હતો અને મામલાની પતાવટ માટે રૂપિયાની લેવડ દેવડ  પણ તેના મારફત કરવામાં આવી હતી. આથી ભગત પાસે મોટી રકમ હોવાની આશાએ આરોપીઓએ સાથે મળીને ભગતનું અપહરણ કર્યું હતું. પરંતુ રૂપિયા ન મળતા આખરે તેમણે મજબૂરીમાં ભગતને રાત્રે છોડીને ફરાર થઈ જવું પડ્યું હતું. પરંતુ આખરે આરોપીઓનો પાપ છાપરે ચડીને પોકાર્યું અને વલસાડ જિલ્લા પોલીસના હાથે ઝડપાઈ ગયા છે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Crime news, Gujarat News, Valsad news

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन