Home /News /surat /લૂંટના અનડિટેક્ટ ગુનાને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ અને સચિન પોલીસે ઉકેલી કાઢ્યો, ચાર ઈસમોની ધરપકડ કરાઈ
લૂંટના અનડિટેક્ટ ગુનાને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ અને સચિન પોલીસે ઉકેલી કાઢ્યો, ચાર ઈસમોની ધરપકડ કરાઈ
ચાર ઈસમોની ધરપકડ
Surat City Crime Branch: સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા લૂંટના અનડિટેક્ટ ગુનાને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ અને સચિન પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા બે બાઈક સાથે ચાર ઈસમોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી રોકડા રૂપિયા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
સુરત: સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા લૂંટના અનડિટેક્ટ ગુનાને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ અને સચિન પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા બે બાઈક સાથે ચાર ઈસમોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી રોકડા રૂપિયા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ ઘટનામાં દુકાનમાં કામ કરતા ઈસમ દ્વારા જ લૂંટનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. સ્વપ્નિલ ગાંધી નામના વ્યક્તિ ઉધના ત્રણ રસ્તા પાસે આમલેટની લારી તેમજ જથ્થાબંધ ઈંડાનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને ઈંડાની જરૂરિયાત વધુ હોવાના કારણે ઈંડા લાવવા માટે બે આઇસર ટેમ્પો પોતાની પાસે રાખ્યા હતા અને આ બંને ટેમ્પો ચલાવવા માટે અને ટેમ્પાની દેખરેખ રાખવા માટે એક ડ્રાઇવર અને ત્રણ ક્લીનરોનો સ્ટાફ રાખ્યો હતો.
પોલીસે લૂંટના આરોપીને ઝડપી પાડ્યા
સ્વપ્નિલ ગાંધીને ઈંડાની જરૂરિયાત હોવાના કારણે 30 જાન્યુઆરી 2023ના રોજ ડ્રાઇવર તથા ક્લીનર સંતોષને ઈંડાની ખરીદી કરવા માટે ટેમ્પો લઈને નાસિક મોકલ્યા હતા. આ બંનેને 7.39 લાખ રૂપિયા પણ રોકડા આપ્યા હતા. ડ્રાઇવર અને ક્લીનર દ્વારા આ પૈસા ટેમ્પોમાં બનાવવામાં આવેલા સિક્રેટ બોક્સમાં મૂકી દીધા હતા. ત્યારબાદ ટેમ્પો નાસિક જવા માટે રવાના થયો હતો ટેમ્પો રવાના થયા બાદ ટેમ્પાના માલિક સ્વપ્નિલ ગાંધીને રાત્રે ફોન આવ્યો હતો અને જાણવા મળ્યું હતું કે ટેમ્પામાં લૂંટ થઈ છે અને તેમની ગાડી ખરવાસાથી ભાટિયા જતા રોડ પર ઉભી છે. તેથી તાત્કાલિક અસરથી સ્વપ્નિલ ગાંધી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ડ્રાઇવર તેમજ ક્લીનરની પૂછપરછ કરી હતી.
ડ્રાઇવર અને ક્લીનરે સ્વપ્નિલ ગાંધીને જણાવ્યું હતું બે મોપેડ પર પાંચ જેટલા ઇસમો આવ્યા હતા અને ટેમ્પાને રસ્તાની સાઈડમાં લેવડાવી પાંચમાંથી ત્રણ લોકોએ ટેમ્પાના દરવાજા પાસે આવીને ક્લીનરને બે થપ્પડ મારી ચપ્પુ જેવું હથિયાર બતાવી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ 7,39,000 રૂપિયા લઈને આઇસમો ભાગી ગયા હતા. આ સમગ્ર મામલે સ્વપ્નિલ ગાંધીએ 100 નંબર પર પોલીસ ફરિયાદ નોંધાવી હતી તેથી સમગ્ર ઘટનાની જાણ પોલીસ કંટ્રોલરૂમ દ્વારા સચિન પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી.
આ સમગ્ર મામલે સચિન પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરીને ગુનો દાખલ કર્યો હતો. તો બીજી તરફ સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનામાં સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોતરાઈ હતી અને બંને પોલીસે આરોપીની શોધખોળ માટે ફરિયાદીને ત્યાં અગાઉ કામ કરી ગયેલા કર્મચારીઓની પર જ પણ હાથ ધરી હતી. પહેલા કામ કરી ગયેલા કર્મચારીની પૂછપરછ કરવાનું કારણ એવું હતું કે માત્ર ફરિયાદીને ત્યાં કામ કરતા લોકોને જ ખબર હતી કે ટેમ્પામાં સિક્રેટખાનું બનાવવામાં આવ્યું છે. ત્યારે પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે સ્વપ્નિલ ગાંધી ત્યાં કામ કરતો વિકી જાદવ નામનો કર્મચારી છ મહિના પહેલા જ છૂટો થયો હતો અને 13 જાન્યુઆરીના રોજ ફરીથી ફરજ પર લાગ્યો હતો. પોલીસને આ વીકી જાદવની હિલચાલ પર શંકા જણાઈ હતી તેથી તેની પૂછપરછ કરવામાં આવી હતી.
વિકી જાદવે પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે પોતે મિત્ર અને સગા સંબંધીઓ પાસેથી પૈસા ઉછીના લેતો હતો અને પૈસા પરત આપવા માટે તેને આ ગુનાને અંજામ આપવા માટે કાવતરું રચ્યું હતું. પોતાના કાવતરા અનુરૂપ મિત્રો સાથે મળીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. તેથી આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વિકી જાદવ નામના ઇસમની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી મુદ્દામાલ પણ રિકવર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે પોલીસે આ સમગ્ર મામલે વિકી જાદવ, રાકેશ એકનાથ, મેહુલ ગુપ્તા અને નયન રાઠોડ નામના ઇસમોને ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત બે બાઈક અને લૂંટમાં ગયેલ રોકડા રૂપિયામાંથી 4,79,000 પણ આરોપી પાસેથી કબજે કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસે રોહન નામના એક ઈસમની શોધખોળ શરૂ કરી છે.