કિર્તેશ પટેલ, સુરત : સુરતના મગદલ્લા હજીરા રોડ પર આવેલા ONGC બ્રિજ પર એક બેકાબૂ બનેલું કન્ટેનર તાપી નદીના બ્રિજની રેલિંગ તોડીને તાપી નદીમાં ખાબકતા એક ડ્રાઇવરનું મોત થયું છે. જ્યારે એક ડ્રાઇવર લાપતા બનતા ફાયર વિભાગે શોધખોળ શરૂ કરી છે. સોમવારે રાત પડી જતાં શોધખોળ અટકાવી દેવામાં આવી હતી. મંગળવારે ફરીથી ડ્રાઇવરને શોધવાના પ્રયાસો હાથ ધરાશે.
મળતી માહિતી પ્રમાણે સુરતના મગદલ્લા ખાતે આવેલો બ્રિજ હજીરાને જોડે છે. આ બ્રિજ પરથી હજારોની સંખ્યામાં મોટા વાહનો પસાર થાય છે. આ બ્રિજ પરથી નેશનલ હાઈવે-48 જોડાતો હોવાને લઈને ભારે વાહનો આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે.
સોમવારે હાઇવેથી હજીરા તરફ જતું એક ટ્રેલર બ્રિજ પરથી કાબૂ ગુમાવીને તાપી નદીની રેલિંગ તોડીને નીચે ખાબક્યું હતું. આ ઘટનાને પગલે આ વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. સ્થાનિક લોકો દ્વારા ફાયરને ઘટનાની જાણકારી આપવામાં આવતા વિભાગે બચાવ કામગીરી શરૂ કરી હતી.
દુર્ઘટનામાં ટ્રેલરના એક ડ્રાઇવરનું મોત થયું હતું, જ્યારે ટ્રેલરનો એક ડ્રાઇવર લાપતા બન્યો છે. બા દુર્ઘટના ઘટી ત્યારે સાંજ પડી ગઈ હોવાથી ફાયરને રેસ્ક્યૂ કામમાં મુશ્કેલી નડી હતી. આ બ્રિજ પર લોકો સાંજના સમયે હવા ખાવા માટે આવતા હોય છે. જોકે, નવરાત્રીને પગલે પોલીસ આ બ્રિજ પર લોકોને બેસવા દેતી નથી. ટ્રેલર જ્યાં પડ્યું છે ત્યાં નદી અને દરિયાનું મિલન થતું હોવાથી તેમજ રાતનો સમય હોવાથી ગુમ ડ્રાઇવરની શોધખોળ અટકાવી દેવામાં આવી હતી. મંગળવારે ફરીથી ડ્રાઇવરની શોધખોળ શરૂ કરવામાં આવશે.