સુરતના મેયરના બંગલામાં સિક્યોરિટી, બેલદાર અને લાઈટ બિલ પાછળ એક વર્ષમાં 26 લાખનો ખર્ચ.
કોર્પોરેટર મહેશ અણઘણના કહેવા અનુસાર આ મેરના બંગલા પાછળ દર મહિને અંદાજિત 3 લાખ કરતા વધારે રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. એક તરફ મહાનગરપાલિકાની તિજોરી તળિયા જાટક થઈ છે. વિકાસના કાર્યો કરવા માટે રાજ્ય સરકારો પાસેથી પાલિકા દ્વારા ગ્રાન્ટની માગણી કરવામાં આવે છે
સુરત: સુરતના મેયર ફરી તેમના બગલાને લઇને વિવાદમાં આવ્યા છે. 5 કરોડ કરતાં વધારે રૂપિયાના ખર્ચે બનેલો સુરતના મેયરનો બંગલો દર વર્ષે લાખો રૂપિયાનું મેન્ટેનન્સ માગી રહ્યો છે. એક વર્ષમાં બંગલાની સિક્યોરિટી, લાઈટ બિલ માટે 26 લાખ રૂપિયા કરતા વધારેનો ખર્ચ થયો હોવાની વાત સુરત મનપાના કોર્પોરેટરે કહી છે.
સુરતના મેયર હેમાલી બોઘાવાલાના આલીશાન બંગલા પાછળ દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર મહેશ અણઘણ દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં માહિતી મળી કે, સુરતના મેયરના બંગલામાં 4 માર્શલ, 6 પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ, 1 ગાર્ડનના બેલદાર અને લાઈટ બિલ પાછળ કુલ 26,63,198 રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
5 કરોડ કરતાં વધારેના ખર્ચે સુરતના મેયરનો આ બંગલો બન્યો છે અને તેમાં દર વર્ષે 4 માર્શલ પાછળ 12,32,448 રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તો 6 પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ પાછળ 9,21,384નો ખર્ચ થાય છે. ગાર્ડનના બેલદાર પાછળ 4,05,576 રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને 1 વર્ષના લાઈટ બિલ પાછળ 1,03,790નો ખર્ચ કરવામાં આવે છે. આ માત્ર સિક્યોરિટી અને લાઇટબીલ પાછળનો એક વર્ષનો ખર્ચ છે. અન્ય મેન્ટેનન્સ ખર્ચ ગણવામાં આવ્યો નથી.
તો કોર્પોરેટર મહેશ અણઘણના કહેવા અનુસાર આ મેરના બંગલા પાછળ દર મહિને અંદાજિત 3 લાખ કરતા વધારે રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. એક તરફ મહાનગરપાલિકાની તિજોરી તળિયા જાટક થઈ છે. વિકાસના કાર્યો કરવા માટે રાજ્ય સરકારો પાસેથી પાલિકા દ્વારા ગ્રાન્ટની માગણી કરવામાં આવે છે પરંતુ બીજી તરફ સુરતના મેયરના બંગલા પાછળ જ સિક્યોરિટી અને લાઈટ બિલ પાછળ 26 લાખ કરતા વધારે રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે આ ખર્ચ લોકોના ટેક્સમાંથી કરવામાં આવે છે.