કિર્તેશ પટેલ, સુરત : શનિવારે સુરતના ઉધના કાંકરા ખાડી બ્રિજ પાસે ટ્રેન અડફેટે રાજસ્થાનના ત્રણ યુવકોનાં ટ્રેનની અડફેટે મોત થયા હતા. તેના બીજા દિવસે એટલે કે રવિવારે આ જ જગ્યાએ બીજો એક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે યુવકોનાં જીવ ગયા છે.
મળતી માહિતી પ્રમાણે મુંબઈથી આવતી બાંદ્રા-ઉદયપુર સુપરફાસ્ટ ટ્રેનની અડફેટે આવી જતા બે યુવકોનાં મોત થયા છે. અકસ્માત રવિવારે સાંજે 8:30ની આસપાસ બન્યો હોવાની માહિતી મળી છે. બંને મૃતક યુવકોની ઉંમર 25થી 28 વર્ષ હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ પોલીસે બંને યુવકોની ઓળખ કરવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા.
ટ્રેન નંબર 12885 બ્રાંદ્રા ટર્મિનસ-ઉદયપુર સુપરફાસ્ટે ઉધનાથી સુરત વચ્ચે કાંકરા ખાડી નજીક બે યુવકોને અડફેટે લીધા હતા. બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતની જાણ બાદ રેલવે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને મૃતકોની ઓળખ કરવા સુધીની કાર્યવાહી શરૂ કરી છે. ટ્રેનની ટક્કર બાદ યુવક ફંગોળાઈને 25 ફૂટ દૂર ફેંકાયા હતા. પોલીસને આશંકા છે કે બંને યુવકો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા હોવા જોઈએ.
શનિવારે ત્રણનાં મોત થયા હતા
શનિવારે ઉધના અને સુરત રેલવે સ્ટેશન વચ્ચે કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનની અડફેટે ત્રણ લોકો આવતા ચકચાર મચી ગઇ હતી. જેમાં ઘટના સ્થળે એકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે જણનું મોત સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું હતું. રાજસ્થાનનાં એક જ પરિવારનાં 6 યુવકો ઉધના સ્ટેશન પર ઉતરીને કોયલી ખાડીનાં ટ્રેક પર ચાલતાં ચાલતાં સુરત તરફ જઇ રહ્યાં હતાં. ત્યારે અચાનક ટ્રેન આવી જતા આ ગોજારો અકસ્માત થયો છે.