Home /News /surat /Surat: સમાચારોમાં વાંચતા હતા અંગદાન વિશે, પરિવારના એક નિર્ણયથી ત્રણ લોકોને મળ્યું નવું જીવન
Surat: સમાચારોમાં વાંચતા હતા અંગદાન વિશે, પરિવારના એક નિર્ણયથી ત્રણ લોકોને મળ્યું નવું જીવન
સુરત શહેરના નવા વર્ષની શરૂઆત અંગદાન મહાદાનથી થઈ
વિપુલભાઇના પરિવારે જણાવ્યું કે તેઓ અવાર નવાર સમાચારોમાં ડોનેટ લાઇફની અંગદાનની પ્રવૃત્તિના સમાચાર વાંચતા હતા ત્યારે તેઓ હંમેશા વિચારતા હતા કે આ માનવ સેવાનું ઉમદા કાર્ય છે. અહીંથી જ તેઓને અંગદાન કરવાની પ્રેરણા મળી હતી.
Mehali tailor,surat: લેઉવા પટેલ સમાજના 38 વર્ષિય વિપુલભાઈ લાભુભાઈ ભીકડીયાના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી બ્રેઈનડેડ વિપુલભાઈના લિવર અને ચક્ષુઓનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. E - 403, જલદર્શન એપાર્ટમેન્ટ, કોઝવે રોડ, સિંગણપોર ગામ, સુરત મુકામે રહેતા અને કતારગામમાં એમ્બ્રોઇડરીનું યુનીટ ધરાવતા વિપુલભાઈને તા. 22 ડિસેમ્બરના રોજ માથામાં દુઃખાવો અને ઉલ્ટી થતા તેમને કતારગામમાં આવેલી અનુભવ હોસ્પીટલમાં દાખલ કર્યા.
બે દિવસની સારવાર બાદ તેમની તબીયતમાં સુધારો જણાતા તેમને તા. ૨૪ ડિસેમ્બરના રોજ હોસ્પીટલ માંથી રજા આપવામાં આવી હતી ઘરે આવ્યા બાદ થોડા કલાક પછી તેમણે ખેંચ આવતા તેમને ફરી અનુભવ હોસ્પીટલમાં દાખલ કર્યા ત્યારબાદ વધુ સારવાર માટે તેમને તા. ૨૫ ડિસેમ્બરના રોજ વિનસ હોસ્પિટલમાં ડૉ. રાકેશ કળથીયાની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા.
ત્યારબાદ ફરી CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.તા.5 જાન્યુઆરીના રોજ તેમને ડોક્ટર અને મેડિકલ ઓફિસર દ્વારા બ્રેઈનડેડ જાહેર કર્યા.ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી વિપુલભાઈની પત્ની આશાબેન અને પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.
વિપુલભાઈના પરિવારજનોએ જણાવ્યું કે,"વિપુલભાઈની કિડની છેલ્લા ચાર વર્ષથી ખરાબ થઇ ગઈ હતી અને તેમને કિડનીના ટ્રાન્સપ્લાન્ટની જરૂરત હતી. જેને લઇ તેઓ વર્ષોથી ડોનેટ લાઈફની અંગદાનની પ્રવૃતિને સોશીયલ મીડિયામાં ફોલો કરી રહ્યા છે.તેમજ વારંવાર વર્તમાનપત્રોમાં પણ ડોનેટ લાઇફની અંગદાનની પ્રવૃત્તિના સમાચાર વાંચતા હતા ત્યારે તેઓ હંમેશા વિચારતા હતા કે આ માનવ સેવાનું ઉમદા કાર્ય છે. સ્વજનના અંગોના દાનથી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો તેઓ અંગદાન માટે આગળ આવ્યા.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો.SOTTO દ્વારા હૃદય મુંબઈની જશલોક હોસ્પિટલને, ફેફસાં ચેન્નાઈની MGM હોસ્પિટલને અને લિવર અમદાવાદની IKDRCને ફાળવવામાં આવ્યા.પરંતુ હ્રદય અને ફેફસા ખરાબ થઈ ગયા હોવાથી તેનું દાન સ્વીકારી શકાયું ન હતું. લિવરનું દાન IKDRCના ડો. સુરેશ કુમાર અને તેમની ટીમે સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડો. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ એક જરૂરિયાતમંદ દર્દીમાં અમદાવાદની IKDRC માં કરવામાં આવ્યું છે.