સુરત : અમરોલી વિસ્તારમાં રહેતા એક ડિઝાઇનરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવકની છેલ્લા ત્રણ મહિનાથી સગાઈની વાત ચાલી રહી હતી ત્યારે યુવતીની અન્ય યુવક સાથે સગાઇ થઇ જતાં માઠું લાગી આવતા પગલું ભર્યું હતું. જોકે યુવાને સુસાઇડ નોટ લખી હતી જેમાં લખ્યું હતું કે, હું મારી મરજીથી આપઘાત કરૂ છું, જેની પાછળ કોઇ જવાબદાર નથી.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મૂળ બરોડા જિલ્લાના ચોરંદા ગામના રહેવાસી હાલ અમરોલી વિસ્તારમાં આવેલ નવો કોસાડ રોડ નજીક હરીદર્શન સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઈ માછી પોતાનું પ્રિન્ટીંગ પ્રેસ ચલાવીને ગુજરાન ચલાવી રહ્યા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે પૈકી ૨૩ વર્ષીય મેહુલ સરથાણા વિસ્તારમાં આવેલી તક્ષશિલા આર્કેડ નજીક ડિઝાઈનર તરીકે નોકરી કરી પિતાને મદદરૂપ થતો હતો.
મેહુલની ત્રણ મહિના અગાઉ અન્ય યુવતી સાથે સગાઈની વાત ચાલતી હતી. ત્યારે તે યુવતીની સગાઈ અન્ય યુવક સાથે થઈ જતા મેહુલ માથું લાગી આવ્યું હતું. મેહુલને માઠું લાગી આવતા તેમણે ગુરૂવારે વહેલી સવારે લોખંડની એંગલ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
મેહુલે બુધવારે રાતે જ પરિવારે જણાવ્યું હતું કે, મારે નોકરી એ મોડું જવાનું છે એટલે મને કોઈ જગાડવા આવતા નહીં ત્યારબાદ પિતાએ બે વખત મેહુલનો દરવાજો ખટખટાવ્યો હતો. મેહુલે દરવાજો નહિ ખોલતા પિતાએ રૂમની પાછળની બાજુએથી જોતા મેહુલ લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો. મેહુલે મરણનોંધમાં જણાવ્યું હતું કે હું મારી મરજીથી આપઘાત કરી છું. જેમની પાછળ કોઈ જવાબદાર નથી. આ બનાવ અંગે અમરોલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.