સુરત: શહેરમાં ઉલટી ગંગા જેવો કિસ્સો સામે આવ્યો છે. સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી યુવતીએ સગીર વયના યુવકને પોતાની પ્રેમજાળમાં ફસાવી તેની સાથે અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા અને કોલેજની તથા સરકારી નોકરીની ફીના નામે 12 લાખ રૂપિયા ખંખેરી લીધા હોવની ઘટના સામે આવી છે. આ યુવતીએ અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા હતા, જે બાદ જૂના પ્રેમીએ આ મામલે વિરોધ કરતાં યુવતીએ તેના પતિ સાથે મળી તેને માર મારી રૂપિયા નહીં આપતાં આખરે આ યુવકે આ પ્રેમિકા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ કમિશનમાં લેખિત રજૂઆત કરી છે.
યુવતીએ યુવકનો મોબાઇલ નંબર લીધો હતો ને...
અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે, યુવકો યુવતીઓને પ્રેમમાં ફસાવી એનું શારીરિક શોષણ કરે છે અને તેમને બ્લેકમેલ કરી પૈસા ખંખેરે છે. પરંતુ આ મામલે ઉલટી ગંગા જેવો કિસ્સો સુરત શહેરમાં સામે આવ્યો છે. સુરતના કતારગામમાં રહેતા 23 વર્ષીય યુવાનની વર્ષ 2005માં એક યુવતી સાથે મુલાકાત થઇ હતી. એક લગ્ન પ્રસંગમાં યુવક અને યુવતી મળ્યા હતા. આ મુલાકાત બાદથી જ બન્ને એકબીજાને ઓળખતા થયા હતા. આ મુલાકાત બાદ બીજી વખત વતનના સામાજિક પ્રસંગ બન્નેની મુલાકાત થઇ હતી. આ દરમિયાન જ યુવતીએ યુવકનો મોબાઇલ નંબર લીધો હતો. બસ, પછી બન્ને સોશિયલ મીડિયા દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા દ્વારા એકબીજાના સંપર્કમાં રહેતાં સતત ચેટીંગનો સિલસિલો શરૂ થયો હતો અને જોતજોતાંમાં યુવક અને યુવતી વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. પ્રેમનો એકરાર પણ યુવતીએ જ કર્યો હતો. યુવતીએ તેનાથી ચાર વર્ષના નાના યુવકને પ્રેમજાળમાં ફસાવી લીધો હતો. જે બાદ બન્ને વચ્ચે મુલાકાતો થતી અને ફિલ્મ જોવા પણ જતાં હતાં. આ દરમિયાન ગાંધીનગર અને અમદાવાદમાં હોટલોમાં લઇ જઇને શારીરિક શોષણ પણ કર્યું હતું.
બાદ યુવતીએ મોઢું ફેરવી લીધું અને અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા
યુવક અને યુવતી ચાર વર્ષ કરતાં વધુ સમય સુધી રિલેશનશિપમાં રહ્યા હતા અને આખરે આ યુવતીએ યુવકને કોલેજની ફી અને સરકારી નોકરી મેળવવાના નામે 12 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. જે બાદ યુવતીએ મોઢું ફેરવી લીધું અને અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા હતા. યુવકે વિરોધ કરતા યુવતીએ તેના પતિ સાથે આ યુવકને માર માર્યો હતો અને તેને આપેલા રૂપિયા નહીં આપવાની ધમકી આપતા આખરે આ યુવક ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. એક વર્ષ બાદ ડિપ્રેશનમાંથી બહાર આવ્યા બાદ યુવકે તે પૂર્વ પ્રેમિકા એવી યુવતી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધવાની માંગ સાથે ફરિયાદ દાખલ કરવા માટે સુરત પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. હવે જોવાનું રહ્યું કે, આ મામલે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે?