સુરત: પતિ અને પત્નીનો સંબંધ આજ કાલ ખુબ નાજુક બની ગયો છે. સમાજ પરિવારમાં સહનશિલતાનો અભાવ, જુની વિચારસરણી, રીત-રીવાજ, ગુસ્સો, અહંકાર, દહેજ જેવા કારણોને લીધે લગ્નજીવન નાજુક બની ગયા છે. જેને પગલે પતિ-પત્ની વચ્ચેની તકરાર અને દહેજ જેવી બદીને લઈ રોજે-રોજે પોલીસ ફરીયાદની ઘટના સામે આવી રહી છે. આજે પણ સુરતમાં આવી જ પતિ-પત્ની વચ્ચેના ખાટા સંબંધની ઘટના સામે આવી છે, જેમાં પત્નીને સાસરીમાં મનાવવા ગયેલા પતિ પર સાળાએ હુમલો કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારી બજાર પાસે રિસાઈને પિયર ચાલી ગયેલી પત્નીને તેડવા માટે ગયેલા ફર્નીચરના વેપારીએ સાસરીયાઓ દ્વારા પત્નીને સાથે મોકલવા માટે રાખેલી અલગ અલગ શરતો મંજુર નહી રાખવાની અદાવતમાં સાળાએ જાહેરમાં લાકડાના ફટકાથી મારમાર્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.
વિગતે ઘટના જોઈએ તો, સલાબતપુરાના રૂદરપુરા કુંભારવાડ ગાર્ડન કોલોની પાસે રહેતા ૨૬ વર્ષીય મોહમંદ સોહેલ મોહમંદ રફીક શેખ (લાકડાવાલા) ફર્નિચરની દુકાન ધરાવે છે, સોહેલની પત્ની ફીરદોસબાનું છેલ્લા છ મહિનાથી રિસાઈને તેના ઘરે ચાલી ગઈ છે. દરમિયાન સોહેલ ગત તા ૫મીના રવિવારના રોજ પત્ની ફીરદોસબાનું લેવા માટે તેના સાસરી નવસારી બજાર મલબારી બાવાનો ટેકરો ખાતે ગયા હતા.
અહીં સોહેલને તેની પત્ની સાથે મોકલવા અંગે અનવર હુસેન લાકડાવાલા, ફુરકાન અનવર હુસેન લાકડાવાલા અને તેની સાથેના બે અજાણ્યાઓ પત્નીને સાથે મોકલા માટે અલગ અલગ શરતો મંજુર કરવા માટે કહ્યું હતું. જાકે સોહેલે તેમની શરતો નહી માનતા તેની અદાવત રાખી ઢીક્કામુક્કીનો તેમજ લાકડાના ફટકાથી મારમાર્યો હતો. સોહેલ તે સમયે ઈજાગ્રસ્ત થતા તે ત્યાંથી નીકળી ગયો અને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે સોહેલ શેખની ફરિયાદ લઈ આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, આવી જ એક ઘટના આજે અમદાવાદમાં પણ સામે આવી હતી, જેમાં અમદાવાદના વાસણામાં રહેતી 28 વર્ષીય યુવતી તેના પતિ તથા સાસુ-સસરા સાથે રહે છે. તેનો પતિ સોલા ખાતે સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. વર્ષ 2018 માં આ યુવતીએ તેના પરિવારની મરજી વિરુદ્ધ જઇ યુગાન્ડા ખાતે પ્રેમ લગ્ન કર્યા હતા. બાદમાં 2018માં ભારત ખાતે પરત આવી હતી અને વાસણા ખાતે તેના પતિના ઘરે રહે છે. ગઈકાલે આ યુવતી તથા તેનો પતિ બાઈકમાં પેટ્રોલ પુરાવવા જતા હતા તે વખતે તેના માતા-પિતા રસ્તામાં ક્યાંક ભેગા થયા હતા અને યુવતીના માતા-પિતાએ તેને કંઈક કહ્યું હતું. બાદમાં આ યુવતી પેટ્રોલ પુરાવી તેના પતિ સાથે ઘરે આવી હતી.
બાદમાં તેના પતિએ યુવતીના પિતાને ફોન કર્યો હતો અને યુવતીના પતિએ તથા પિતાએ વાતચીત કરી હતી. જેમાં યુવતીના પિતાએ યુવતીના પતિ પર આક્ષેપબાજી ચાલુ કરી અને બીભત્સ શબ્દોનો પ્રયોગ કરી જણાવ્યું કે "તું મારી દીકરીને મારે છે અને એવું પણ કહ્યું કે તેને જીવતો નહીં મૂકુ, મારી દીકરી વિધવા થાય તો પણ ફરક નથી પડતો". આ સાંભળીને યુવતીનો પતિ ગભરાઈ જતાં તેણે ફોન કટ કરી દીધો હતો અને બાદમાં યુવતીને તેના પતિએ આ ઘટનાની જાણ કરી હતી.
જેથી યુવતીએ તે બાબતે તેના પિતાને ફોન કરી સમજાવવા જતાં તેના પિતાએ ધમકી આપી કે "હવે જો તુ વચ્ચે આવીશ તો તારા પણ પડા ભાગી નાખીશ અને તારા પતિ ને કહેજે સમજવું હોય એટલું સમજી લે તેને હું મારી નાખીશ". જેથી આ મહિલાએ 181 મહિલા હેલ્પલાઇન માં ફોન કરતા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે મહિલા અને તેના પતિ ગયા હતા.
બાદમાં વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા ની સમજ પોલીસે આપતા આ યુવતી વાસણા પોલીસ સ્ટેશન ગઈ હતી અને બાદમાં યુવતીએ તેના પિતા સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર