Home /News /surat /સુરત : 81 વર્ષના વૃદ્ધ સાવિત્રીબેને 10 જ દિવસમાં Coronaને આપી મ્હાત, 8 વર્ષથી ખાય છે માત્ર ફળ
સુરત : 81 વર્ષના વૃદ્ધ સાવિત્રીબેને 10 જ દિવસમાં Coronaને આપી મ્હાત, 8 વર્ષથી ખાય છે માત્ર ફળ
સુરત વૃદ્ધ કોરોના દર્દી
તેમની ઉંમર જોઈને તેઓ કોરોના સામેની લડાઈમાં વિજયી થશે કે કેમ તેના વિષે શંકા હતી. શ્વસનની સમસ્યાના લીધે તેઓને શરૂઆતમાં પાંચ લીટર ઓક્સિજન પર રાખવામાં આવ્યા
સુરત : નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા સુરતના ૮૧ વર્ષના સાવિત્રીબેન શર્માએ દસ દિવસમાં કોરોનાને મ્હાત આપી છે. દાદીમાંએ સાબિત કર્યું કે જિંદગી અને કોરોના વચ્ચેના જંગમાં ‘હું પણ કોરોના વોરિયર..’ છું. પરિવારના માનવામાં આવતું ન હતું કે ફરીવાર દાદીમાં સહીસલામત ઘરે આવશે.
મૂળ રાજસ્થાનના ફતેહપુરના વતની અને હાલ પર્વતપાટિયા વિસ્તારના સ્વસ્તિક એપાર્ટમેન્ટમાં રહેતા સાવિત્રીબેન શર્માને ૦૬ ઓગસ્ટના રોજ તાવ અને શરદી ઉધરસના લક્ષણો જણાયા હતાં. બે દિવસમાં સુધારો ન થતાં ૦૮ ઓગસ્ટના રોજ પરિવારજનો તપાસ કરાવવા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં. જ્યાં સેમ્પલ લઈ રિપોર્ટ કરાવતાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. અને સારવાર અર્થે સ્ટેમ સેલ બિલ્ડીંગના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
રેસ્પિરેટરી મેડિસિન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.ભૂમિકા પટેલે જણાવ્યું કે, ‘હું સિવિલ હોસ્પિટલમાં માર્ચ મહિનાથી કોવિડ આઈસીયુ વિભાગમાં ફરજ બજાવી રહી છું. ૮૧ વર્ષીય સાવિત્રીબેનને કોવિડ વોર્ડમાં એડમિટ કરાયા ત્યારે તેમની ઉંમર જોઈને તેઓ કોરોના સામેની લડાઈમાં વિજયી થશે કે કેમ તેના વિષે શંકા હતી. શ્વસનની સમસ્યાના લીધે તેઓને શરૂઆતમાં પાંચ લીટર ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા.
ફરજ પરના તબીબોએ જ્યારે દાદીને પૂછ્યું કે, ‘દાદી,તમે કંઈ જમતા કેમ નથી ?’ ત્યારે દાદીએ કહ્યું કે, ‘હું છેલ્લા આઠ વર્ષથી ભોજનમાં માત્ર ફળો જ ખાઉં છું.’ અમારા આશ્ચર્ય વચ્ચે તેઓ અનાજના સ્થાને માત્ર ફળો જ આહારમાં લેતા હતાં. અમે પણ તેમની રૂચિ મુજબના ફળો અને જ્યુસ આપતાં હતા. સાવિત્રીબેનની શ્વસનક્રિયા સામાન્ય થતાં નોર્મલ એરમાં રાખવામાં આવ્યા હતા. તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થતાં તા.૧૭મી ઓગસ્ટના રોજ ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતાં.
સ્વસ્થ થયેલાં દાદીમાંના અવાજમાં રણકો હતો. તેમણે જણાવ્યું કે, ‘મને સફેદ વાઘામાં રહેલાં ભગવાન જેવા ડોક્ટરોએ મને જીવતી રાખી છે. જાણે હું એમની સગી દાદી હોઉં એવાં ભાવથી ડોકટરો અને નર્સ બહેનો મારી સારસંભાળ રાખતા હતા.