જીએસટીના નિયમને આજે એક વર્ષ પુરૂં થયું છે જેના વિરોધમાં સુરતનાં કાપડના વેપારીઓએ ભજીયા વેચીને અનોખો વિરોધ કર્યો છે. જો કે ટેક્સટાઇલ માર્કેટના મોટાભાગના વેપારીઓ આ કાર્યક્રમથી દૂર રહ્યાં હતાં. થોડા જ વેપારીઓએ જીએસટીનો વિરોધ નોંધાવ્યો હતો.
વેપારીઓએ વિરોધ કરતાં જણાવ્યું હતું કે કપડા પર જીએસટી છે તેથી તે વેચાતા નથી પરંતુ ભજીયા પર જીએસટી નથી તેથી તે વેચી રહ્યાં છે.
સુરતના એક વેપારીએ આ અંગે પોતાનું નિવેદન આપતા કહ્યું કે આજના દિવસે ગયા વર્ષે એટલે કે 2017માં રાતે બાર વાગે જીએસટી લગાડવામાં આવ્યો હતો. જે પછી બધા કાપડના વેપારીઓને ઘણું નુકશાન ગયું છે. જેથી તેનો વિરોધ અમે આજના દિવસે ભજીયા વેચીને કરી રહ્યાં છે. તેમને પૂછવામાં આવ્યું કે તમે ભજીયા વેચીને જ કેમ વિરોધ કરો છો? તો તેના જવાબમાં તેમણે કહ્યું કે અત્યારે જીએસટીના કારણે કોઇ સાડી, સૂટ વેચાતા નથી માત્ર ભજીયા જ વેયાય છે. તેની પર કોઇ જીએસટી લગાડવામાં આવતી નથી જેના કારણે ભજીયા વેચીને વિરોધ કરવામાં આવી રહ્યો છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમારા વિરોધમાં આટલા ઓછાં વેપારીઓ કેમ છે તેના જવાબમાં તેમણે કહ્યું કે, 'ઘણાં વેપારીઓ વિરોધથી ડરી રહ્યાં છે. ગઇ વખતની જેમ જ આ સમયે પણ અટકાયતના એંધાણથી કદાચ વેપારીઓ જોડાયા ન હતાં.'
વેપારીઓએ ભજીયા વેચીને વિરોધ નોંધાવ્યો હતો
તેમને એવું પૂછવામાં આવ્યું કે તમે પહેલા ભજીયા તળીને વિરોધ નોંધાવવાના હતાં પરંતુ તમે તો તૈયાર ભજીયા લાવીને કેમ વેચો છો તો તેના જવાબમાં તેમણે કહ્યું કે અમે જ્યારે જીએસટીનો વિરોધ કરવા માટે ભજીયા તળીને વિરોધ નોંધવવાની મંજૂરી માંગી હતી પરંતુ અમને આપવામાં આવી ન હતી એટલે તૈયાર લાવીને વેચીને વિરોધ નોંધાવી રહ્યાં છે.