તાપી: તાપીના વ્યારાના ચીખલી નજીક ટેમ્પો પલટી જવાની ઘટના બની હતી. સુરત જિલ્લાના માંડવી તાલુકાના આંબા પારડી ગામના લોકોને અકસ્માત નડ્યો હતો. દેવલીમાળી માતાના દર્શને જતા સમયે અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતમાં 2 બાળકોના મોત નીપજ્યાં છે, જ્યારે 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાવમાં આવ્યા છે.
નાની ચીખલી નજીક ટેમ્પો પલટી જતાં અકસ્માત
વ્યારાના નાની ચીખલી નજીક ટેમ્પો પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ટેમ્પોમાં લોકો દેવલીમાળી માતાના દર્શને જઇ રહ્યા હતા, ત્યારે અકસ્માત સર્જાયો હતો. સુરત જિલ્લાના માંડવી તાલુકાના આંબા પારડી ગામના લોકો દેવલીમાળી માતાના દર્શન કરવા જઇ રહ્યા હતા. ચાર ટેમ્પોમાં નીકળેલા ગ્રામજનોનો એક ટેમ્પો પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે બાળકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં છે, જ્યારે 15 જેટલા ઘાયલોને વ્યારાની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
આજે વહેલી સવારે નવસારી નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર વેસ્મા ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં અકસ્માત થયો હતો. સુરતથી નવસારી જતાં કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કુદી રોંગ સાઈડ પર ટ્રક સાથે અથડાઈ હતી. કારમાં સવાર લોકોને નાની-મોટી ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મુખ્ય માર્ગ પર અકસ્માત સર્જાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને ખુલ્લો કરી વધુ તપાસ હાથ ધરી હતી.
વલસાડમાં ખાનગી બસને નડ્યો અકસ્માત
વલસાડના અંભેટી કાપરિયા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં ખાનગી બસ મંદિરના પિલરમાં ભટકાઈ હતી. વારણા ગામથી ભક્તો બસમાં ગાંધીનગર સ્વામિનારાયણ મહોત્સવમાં જવા નીકળ્યા હતા, ત્યારે વળાંક નહીં કપાતા બસચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ રોડની બાજુમાં આવેલા જલારામ મંદિરમાં ભટકાઈ હતી. આ અકસ્માતમાં 4ને સામાન્ય ઈજા અને એકને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.