Surat Cheating: સુરતના જાણીતા વિજય જ્વેલર્સના સંચાલકોએ પરિવાર સાથે મળીને 2015થી અત્યાર સુધી મોટી ઠગાઈ કરી હોવાનો ખુલાસો થયો છે અને તેનો ભોગ વિજય જ્વેલર્સ પરિવારના સભ્યો અને ભાગીદાર બન્યાં છે.
સુરતઃ શહેરના જાણીતા વિજય જ્વેલર્સના સંચાલકોએ પરિવાર સાથે મળીને 2015થી અત્યાર સુધી મોટી ઠગાઈ કરી હોવાનો ખુલાસો થયો છે અને તેનો ભોગ વિજય જ્વેલર્સ પરિવારના સભ્યો અને ભાગીદાર બન્યાં છે. તેટલું જ નહીં, એક બેન્ક પણ તેનો ભોગ બની છે. હાલ ક્રાઇમ બ્રાન્ચમાં આ મામલે 60 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.
સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં અજય વિજય નામનો એક મોટો જ્વેલરી શોરૂમ હતો અને તેની શાખ પણ ખૂબ મોટી હતી, પરંતુ તેના સંચાલકો અને ભાગીદારો વચ્ચેના વિખવાદનો મામલો હવે પોલીસમાં પહોંચ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચના ઇકો સેલમાં અનિલ સિંગલ નામના મૂળ દિલ્હીના રહેવાસીએ ફરિયાદ નોંધાવી છે કે, આરોપી અશ્વિન સિંગલ તેના પુત્ર રાહુલ સિંગલ, અન્ય એક વ્યક્તિ અંકિત મિત્તલ, અશ્વિન સિંગલની પત્ની કિરણ દેવી સિંગલ અને રાહુલ સિંગલની પત્ની પ્રીતિ સિંગલ દ્વારા ગત તારીખ 15-12-15થી આજ દિન સુધી અંદાજિત 60 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.
આરોપી અશ્વિન સિંગલ અને તેના પુત્ર રાહુલ સિંગલ દ્વારા અજય વિજય જ્વેલર્સમાં 39 કરોડ 50 લાખની જ્વેલરીનો સ્ટોક અન્ય પેઢી ડાયમંડ ગેલેરિયામાંથી બાર કરોડ 48 લાખ રૂપિયાનો ડાયમંડ જ્વેલરીનો સ્ટોક તેમજ અન્ય એક પેઢી આર્ક ડાયમંડમાંથી છ કરોડ રૂપિયાના રફ હીરાનો કોઈ જ હિસાબ આપ્યો નથી. બીજી તરફ, આ તમામ જ્વેલરી સુરતમાં ડાયમંડ એક્ઝિબિશનમાં ડિસ્પ્લે કરવા માટે મંગાવવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તેને પરત કરવામાં આવી નહોતી. તેની સાથે જ્યારે ડાયમંડ ગોલ્ડ જ્વેલરી ફરિયાદીએ પરત માંગી ત્યારે તેમને દિલ્હીમાં બીજું એક્ઝિબિશન કરવાની લાલચ આપી હતી.
ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી
આ સમગ્ર ઘટનાક્રમમાં આઠ વર્ષનો સમયગાળો પસાર થઈ ગયો છે, છતાં જ્વેલરી કે રૂપિયા પરત નહીં મળતા આખરે મામલો ઇકો સેલમાં પહોંચ્યો છે. હાલ તો અશ્વિન સિંગલે પાંચ વ્યક્તિ સામે 60 કરોડથી વધુ રકમની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. અશ્વિન સિંગલે પોતાની ફરિયાદમાં આ ટોળકી દ્વારા એક બેન્કમાંથી લોન લઈ તેને પણ એનપીએ કરાવી દીધું હોવાનો આક્ષેપ કર્યો છે. આ સમગ્ર મામલામાં હાલ તો ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.