અમદાવાદઃ મૂળ સુરતના 27 વર્ષીય સદામ પઠાણ નામના યુવાનનો અકસ્માત થયો હતો અને તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે પરિવારે તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે તેમના અંગદાનથી ત્રણ જેટલા લોકોને નવજીવન મળ્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની એન્ડ રિસર્ચ સેન્ટરમાં બે કિડની અને એક સ્વાદુપિંડનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.
અમદાવાદના રહેવાસીને એક કિડની આપી
49 વર્ષીય બાલુભાઈ 2016થી અયોગ્ય કિડની કાર્યથી પીડાતા હતા. 2019માં કેડેવર ડોનર પ્રોગ્રામ માટે નોંધણી કરાવી હતી. બાલુભાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરે છે અને અમદાવાદના નિર્ણયનગરમાં રહે છે. જો કે, બાલુભાઈને કિડની આપવા માટે તેમના પત્ની તૈયાર હતા. પરંતુ તેમના પત્નીને ટેસ્ટ દરમિયાન ડાયાબિટીસ આવતા કેડેવર ડોનેશન પ્રોગ્રામ હેઠળ કિડની મેળવવાનો તેમનો પ્રયાસ તબીબી પરીક્ષણમાં કેટલીક વિસંગતતા કારણે ત્રણ વખત નકારી કાઢવવામાં આવ્યો હતો. પરંતુ સુરતમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના અંગદાને બાલુભાઈને નવી જિંદગી આપી છે.
આ ઉપરાંત 6 વર્ષથી ડાયાલિસિસ પર રહેલા વડોદરાના 39 વર્ષીય વિકલાંગ હસમુખ પર મૃતક વ્યક્તિની વધુ એક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. તે 2012થી કિડનીની બીમારીથી હતા અને અંગદાનના કારણે નવું જીવન મળ્યું છે. હસમુખભાઈ યુવાનના માતા-પિતાને પ્રમાણ કરતા ભાવુક બન્યા હતા. ખુશ્બુ મિસ્ત્રીએ જણાવ્યુ છે કે, 5 વર્ષની હતી ત્યારથી ડાયાબિટિસથી પીડિત હતી અને બાળપણમાં ઇન્સ્યૂલિન લેવી પડતી હતી. 6 વર્ષની નાની વયમાં જ સ્વાદુપિંડ નિષ્ફળ થઈ ગયું હતું. પરંતુ મુસ્લિમ યુવકના અંગદાનથી સ્વાદુપિંડ મળતા. આજે જીવનમાં ખુશી આવી.
કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ડો. વિનીત મિશ્રા જણાવ્યુ હતુ કે, ભારતમાં એક વર્ષમાં 1.75 લાખ કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે, જેમાંથી માત્ર 7 ટકા લોકોની કિડની ટ્રાન્સપ્લાન્ટ શક્ય બને છે. 50 હજાર લિવર, હાર્ટ અને લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ દરવર્ષે દેશમાં કરવાની જરૂરિયાત ઉભી થાય છે. એવી જ રીતે દરવર્ષે 25 હજાર સ્વાદુપિંડનું ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂરિયાત ઉભી થાય છે. ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ IKDRCમાં થાય છે, અત્યાર સુધીમાં બે ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે. IKDRCમાં અત્યાર સુધીમાં 7 હજાર કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. ગયા વર્ષે 400 કિડની, 100 લિવર ટ્રાન્સપ્લાન્ટ IKDRCમાં થયા હતા. જો બ્રેઇનડેડ લોકોના પરિવારજનો અંગદાન માટે પ્રેરાશે તો મૃત્યુ બાદ પણ વ્યક્તિ અનેક લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવી શકે છે.