Surat Crime: હત્યાના પ્રયાસમાં પ્રેમી અને પત્નીની ધરપકડ. પત્નીએ પ્રેમીને હત્યા માટે દાહોદથી બોલાવ્યો હતો. ચપ્પાના ઘા મારી કર્યો હત્યાનો પ્રયાસ. પતિ હોસ્પિટલમાં સારવાર હેઠળ, પત્ની અને પ્રેમીની ધરપકડ
સુરત: શહેરમાં બનેલી હત્યાના પ્રયાસની ઘટનામાં પ્રેમી અને પત્નીની ધરપકડ કરવામાં આવી છે. 28મી ડિસેમ્બરે યુવક પર હુમલો થયો હતો. આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે કે, પત્નીએ પ્રેમીને હત્યા માટે દાહોદથી બોલાવ્યો હતો. ખુદ પત્નીએ તેના પતિની હત્યા માટે પ્રેમીને બોલાવ્યો હતો. જ્યારે ચપ્પાના ઘા મારીને હત્યાનો પ્રયાસ કરાયો હતો. હાલ પતિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે પત્ની અને પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે.
28મી ડિસેમ્બરે યુવક પર થયો હતો હુમલો
ગત 28મી રોજ વહેલી સવારે સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલ સળીયાકણદે ખાતે આવેલા આત્મીય સંસ્કારધામ બાંધકામ સાઈટ ઉપર કામ કરતા એક શ્રમજીવી યુવક પતરાના શેડમાં સુઇ રહ્યો હતો, તે વખતે ધાબળો ઓઢીને આવેલા એક અજાણ્યા શખ્સે છાતીના ભાગે ચપ્પુ મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ મામલે પત્નીની ફરિયાદ લઈને ડીંડોલી પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પોલીસ અને તેમની ટીમ દ્વારા તપાસ કરતા અંતે ફરિયાદી પત્ની અને તેમનો પ્રેમી આ ઘટનામાં આરોપીની ભૂમિકામાં હોવાનું બહાર આવ્યું છે, ત્યારે ડીંડોલી પોલીસે ફરિયાદી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતો શ્રમજીવી પરિવાર જે મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. આ શ્રમજીવી પરિવારની પત્નીનું અગાઉ તેના ગામના જ શખ્સ સાથે પ્રેમ પ્રકરણ હતું અને તેનો પ્રેમી દાહોદ રહેતો હતો. એક રોજ ફોન પર વાતચીત કરતા પત્નીએ તેના પ્રેમીને જણાવ્યું હતું કે, હવે આપણે એક સાથે રહેવું છે અને હવે આપણે મારા પતિનો કંઈક નિકાલ કરવો પડશે. ત્યાર બાદ પ્રેમિકાના કહેવા પ્રમાણે પ્રેમી અને પ્રેમિકાએ બનાવેલ પ્લાન મુજબ પ્રેમીને સુરત ખાતે બોલાવી તેની બાજુમાં જ ઘરમાં આશરો આપ્યો હતો. એક દિવસની રાહ જોયા બાદ બીજા દિવસે પ્રેમિકાએ તેના પ્રેમીને પક્કડ જેવું સાધન આપી અને તેને સવારે દરવાજા પર બાંધેલું તાર તોડી ઘરમાં આવવાનું કહ્યું હતું.
પ્લાનથી વિપરીત થતાં મહિલા ગભરાઇ ગઇ
આ પ્લાન મુજબ જ્યારે સવારે પ્રેમી પક્કડ વડે તેના ઘરના દરવાજાનો તાર કાપી અંદર આવ્યો તો એને સૌથી પહેલા પોતાની પ્રેમિકાને ઊંઘમાંથી જગાડી હતી અને તેના પતિને પ્રેમીએ હાથમાં લીધેલા ચપ્પુ વડે તેના છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. જોકે, મહિલા અને તેના પ્રેમીએ ગળું દબાવીને હત્યા કરવાનો પ્લાન કર્યો હતો, પરંતુ તેનાથી વિપરીત થતાં મહિલા ગભરાઇ ગઇ હતી અને તેના પ્રેમીને ત્યાંથી ભગાડી દીધો હતો.
પોલીસને પત્ની પર શંકા જતાં આકરી પૂછપરછ કરી
આ ઘટનાને પગલે હોબાળો થતાં આજુબાજુના લોકો જાગી ગયા હતા અને તાત્કાલિક પોલીસને બોલાવી ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ઇજાગ્રસ્ત વ્યક્તિ અને તેની પત્નીની પોલીસે પૂછપરછ કરતા પ્રાથમિક તપાસના આધારે પત્નીની ફરિયાદ ડીંડોલી પોલીસે લીધી હતી. પરંતુ તપાસમાં ડીંડોલી પોલીસને તેના પત્ની પ્રત્યે શંકા જતા તેની આકરી પૂછપરછ કરવામાં આવી હતી. અંતે પત્ની ભાંગી પડી હતી અને ઘટસ્ફોટ કર્યો હતો. આ મામલે ડીંડોલી પોલીસે પ્રેમી અને મહિલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.