Home /News /surat /સુરતની વીજ કંપનીનું ઓનલાઈન પરીક્ષા કૌભાંડ, સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ બે આરોપીની ધરપકડ કરી
સુરતની વીજ કંપનીનું ઓનલાઈન પરીક્ષા કૌભાંડ, સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ બે આરોપીની ધરપકડ કરી
આરોપીની તસવીર
સુરતમાં વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં ગેરરીતિ મામલે ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીને ઝડપી પાડ્યા હતા અને હવે આ મામલે વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
સુરતઃ વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં ગેરરીતિ આચરી ઉમેદવારોને પરીક્ષામાં પાસ કરાવવાના કૌભાંડમાં વધુ બે આરોપીને પકડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. અગાઉ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીને ઝડપી પાડ્યા હતા અને હવે આ મામલે વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એટલે કે આ કૌભાંડમાં અત્યાર સુધીમાં ચાર આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્યની અલગ અલગ વીજ કંપનીઓમાં 2156 વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટની ભરતી માટે 9 ડિસેમ્બર 2020થી 6 જાન્યુઆરી 2021 દરમિયાન અલગ અલગ તારીખે અલગ-અલગ શહેરમાં અલગ-અલગ પરીક્ષા કેન્દ્રોમાં તેમજ કોમ્પ્યુટર લેબમાં આ પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષામાં કોમ્પ્યુટર લેબના ઇન્ચાર્જ તથા પરીક્ષા કેન્દ્રના માલિકો સાથે મેળપાણી કરી આર્થિક લાભ મેળવવા માટે પરીક્ષામાં ગેરરીતિ આચરી ઉમેદવારોની ઓનલાઇન પરીક્ષા પાસ કરાવી વીજ કંપનીમાં તેમને નોકરી અપાવવાના કૌભાંડનો સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. અગાઉ આ મામલે ઇન્દ્રવદન પરમાર અને મોહમ્મદ ઓવેશ નામના વડોદરાના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને આરોપીને કસ્ટડી મેળવી તેમની પૂછપરછ કરવામાં આવી હતી.
ત્યારે બે આરોપીની પૂછપરછ બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આ ગુનામાં સામેલ અન્ય આરોપીને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે વડોદરાના ભાસ્કર ચૌધરી અને અમદાવાદના ભરતસિંહ ઝાલા નામના બે ઇસમોની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, ભાસ્કર ચૌધરી નામનો આરોપી વર્ષ 2019માં રાજસ્થાન બિટ્સ પિલાની કોલેજમાં વિદ્યાર્થીઓને ગેરકાયદેસર એડમિશન અપાવવા મામલે CBIના હાથે પકડાયો છે અને તે તિહાર જેલમાં હતો. બે મહિના જેલમાં રહ્યા બાદ જામીન પર મુક્ત થયો હતો અને ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા 2023માં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ સામે આવી હતી. તેમાં પણ ગુજરાત ATS દ્વારા આરોપી સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી અને આ ગુનામાં આરોપી વડોદરા મધ્યસ્થ જેલમાં કેદ હતો.
તો બીજો આરોપી ભરતસિંહ ઝાલા શિક્ષક તરીકે નોકરી કરતો હતો અને 2018માં ગુજરાત સરકાર દ્વારા પોલીસ વિભાગ દ્વારા લોકરક્ષકની પરીક્ષા લેવામાં આવી હતી તેમાં ગેરરીતિ કરી હતી અને ગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ભરતસિંહ ઝાલા સામે ગુનો દાખલ થયો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સાબરમતી જેલમાં કેદ હતો અને ત્રણ મહિના બાદ તે જામીન પર મુક્ત થયો હતો અને આ ગેરરીતી કૌભાંડમાં આ બંને આરોપીની સંડોવણી સામે આવતા ફરીથી બંનેની ધરપકડ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે.