Home /News /surat /સુરતમાં હત્યા બની મામૂલી! વરાછામાં યુવકને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો

સુરતમાં હત્યા બની મામૂલી! વરાછામાં યુવકને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો

યુવકની હત્યા કરી અજાણ્યા ઇસમો ફરાર

Surat Crime : અજાણ્યા ઈસમોએ રાત્રી દરમિયાન ચપ્પુ વડે હુમલો કરી યુવકની હત્યા કરી હતી. મૃતક યુવકની લાશને પીએમ અર્થે સ્મીમેર ખાતે ખસેડાઇ વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

સુરત : છાશવારે હત્યાની ઘટનાઓ સામે આવતા સુરત ક્રાઇમ સિટી બનતું જઇ રહ્યું છે. શહેરના વરાછા અશ્વની કુમાર રોડ પર આવેલ વસુંધરા ઇન્ડસ્ટ્રીઝની સામે રાત્રીના સમયે એક યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. ઘટનાના પગલે વરાછા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ કામે લાગી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

હત્યાની ઘટના બનતા ચકચાર મચી


સુરત શહેરમાં ગુનાખોરી વધી રહી છે જેમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે. ગુનેગારો બેધડક હત્યા જેવા ગંભીર ગુનાને અંજામ આપી રહ્યા છે ત્યારે વધુ એક હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી. સુરતમાં વરાછા અશ્વની કુમાર રોડ પર આવેલ વસુંધરા ઇન્ડસ્ટ્રીઝની સામે રાત્રીના સમયે એક યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી.



આ પણ વાંચો : સુરતમાં ફરી એકતરફી પ્રેમમાં હિંસક બન્યો યુવાન, હુમલામાં સગીરાને ગાલ પર આવ્યાં 17 ટાંકા

ચપ્પુના ઘા મારી યુવકની હત્યા


કેટલાક ઈસમો રાત્રીના સમયે આવ્યા હતા અને મરનાર 32 વર્ષીય દિપક મહાકુંડની ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ થતાં વરાછા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે લાશને પીએમ અર્થ મોકલી આપી હત્યારાઓ સુધી પહોંચવા પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત યુવકની હત્યા શા માટે અને કેવા સંજોગોમાં કરવામાં આવી તે અંગે આગળની કાર્યવાહી વરાછા પોલીસે હાથ ધરી હતી.



આ પણ વાંચો : સુરત: મિલમાં બીજા માળેથી લિફ્ટ તૂટતાં એક યુવાનનું મોત, આઠ ઘાયલ

છેલ્લા એક અઠવાડિયાથી સુરતમાં હત્યાઓની ઘટના જે રીતે સામે આવી રહી છે, તેને લઈને ચિંતામાં પણ વધારો થયો છે. જોકે અંદરખાને કોઈ બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય તેવી બાબત પોલીસ તપાસમાં સામે આવતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે. સુરતમાં બની ગયેલી ઘટનાઓને લઈને હવે સુરત ક્રાઇમ સિટી તરીકે પણ ઓળખાવા લાગ્યું છે, ત્યારે જોવાનું રહ્યું કે અત્યારના ગુનાનો ભેદ પોલીસ ક્યારે અને કેવી રીતે ઉકેલે છે.
Published by:Bansari Gohel
First published:

Tags: Crime in surat, Crime news, Live murder, Surat crime branch

विज्ञापन
विज्ञापन