સુરતના ઉન વિસ્તારમાં આવેલા દરબાર નગરમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. તેમાં જમીન દલાલના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
સુરતઃ સાયબર ક્રાઇમ સેલ દ્વારા મળેલી બાતમીના આધારે સુરતના ઉન વિસ્તારમાં આવેલા દરબાર નગરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તેમાં જમીન દલાલના ઘરેથી 1.41 કરોડની રોકડ રકમ ઝડપી પાડવામાં આવી છે. આ રકમ વ્હાઇટની છે કે બ્લેકની તે જાણવા ઇન્કમટેક્સ સહિત અલગ અલગ સંબંધિત વિભાગને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે સાયબર ક્રાઈમ સેલના દરોડા દરમિયાન જમીન દલાલની ગેરહાજરી મળી આવતા પોલીસ સમક્ષ હાજર થવા તાકીદ કરવામાં આવી છે.
સુરત સાયબર ક્રાઇમ સેલના એસીપી યુવરાજસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર, સાયબર ક્રાઈમ સેલને મળી હતી કે સુરતના ઉન ખાતે આવેલા દરબાર નગરમાં રહેતા વસીમ અક્રમ હુસેન પટેલ સાયબર ફ્રોડ કરે છે અને તેના ઘરે કરોડોની રકમ મૂકવામાં આવી છે. આ રકમ સાયબર ફ્રોડ કરીને અથવા છળકપટથી મેળવવામાં આવી હોવાનું અનુમાન છે. ત્યારે બાતમીના આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઉનમાં આવેલા જમીન દલાલ વસીમ પટેલના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા.
જમીન દલાલના ઘરેથી 2000ના દરની 500 ભારતીય ચલણી નોટ, 500ના દરની 23,100 ચલણી નોટ, 200ના દરની 6 હજાર નોટ, 100ના દરની 3500 નોટ મળી આવી હતી. આમ કુલ 1.41 કરોડની ભારતીય ચલણી નોટો ઝડપી પાડી હતી. સાયબર ફ્રોડ અથવા તો છળકપટથી નોટો મેળવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આ અંગે જાણ કરવામાં આવી છે.
જમીન દલાલના ઘરેથી 1.41 કરોડ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. પરંતુ જમીન દલાલ વસીમ પટેલ ગેરહાજર મળી આવ્યો હતો. સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ રકમ કબજે લઈ ઇન્કમટેક્સ વિભાગને જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય સંબંધિત વિભાગને પણ આ અંગેની જાણકારી આપવામાં આવી હતી. કરોડોની આ રકમ વ્હાઇટની છે કે બ્લેકની, તે જાણવા વિભાગ તરફથી તપાસ કરવામાં આવશે. જ્યાં વિભાગની તપાસ દરમિયાન વ્હાઈટ અથવા કાળા નાણાં પરથી પડદો ઉંચકાશે. જો કે, પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ સમગ્ર મામલે મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે જોવાનું રહ્યું કે આ મામલામાં હવે કયા પ્રકારની વિગતો સામે આવે છે.