સુરત: શહેરમાં ડ્રેનેજની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે. અહીં ડ્રેનેજની કામગીરી દરમિયાન બે કામદારોના મોત નિપજ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્રણ કામદારો ડ્રેનેજ સફાઇની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન દુર્ઘટના બની છે. ઘટનામાં ગૂંગળામણને લીધે ત્રણેય કામદારોની તબિયત બગડી હતી. જ્યારે સારવાર દરમિયાન બે કામદારોના મોત થયા છે, જ્યારે અન્ય કામદારની સ્થિતિ નાજૂક હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ કામદારની સારવાર ચાલી રહી છે. ઘટનાને પગલે પોલીસ અને સ્થાનિક તંત્ર દોડતું થયું છે.
ગૂંગળામણને લીધે ગટરમાં ફસાયા હતા કામદારો
આજે સવારે સુરતના એસવીએનઆઈટી કોલેજ પાસે સફાઇ કામદારો ગટર સાફ કરવાની કામગીરી કરી રહ્યા હતા, તે દરમિયાન આ દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ગટર સાફ કરવાની કામગીરી માટે ત્રણ કામદારો ગટરમાં ઉતર્યા હોવાનું કહેવાઇ રહ્યું છે. ગટરમાં ઉતરેલા ત્રણેય કામદારો ગૂંગળાયા હતા. ગૂંગળામણના લીધે ત્રણેય કામદારો ગટરમાં ફસાઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. સાથે જ પોલીસ અને તંત્રને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
ઘટનાસ્થળે દોડી આવેલા કાફલાએ કામદારોને બહારર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જેમાંથી બે કામદારોની તબિયત સ્થળે પર જ ગંભીર જણાઇ રહી હતી. જે બાદ ત્રણેય કામદારોને 108 એમ્બ્લુયલન્સ મારફતે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, બે કામદારોનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક કામદારની સ્થિતિ નાજુક હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આમ, ફરી એક વખત તંત્રની લાપરવાહીને કારણે કામદારોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જે-તે સમયે બનતી આવી ઘટનાઓ સંદર્ભે કડક સૂચનો અને આદેશ આપવા છતાં હજુ સુધી કામદારોની સલામતીને ધ્યાનમાં લેવાતી ન હોવાને લીધે આવી ઘટનાઓ બની રહી છે. જેને પલગે કામદાર વર્ગમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.