સુરત : સુરતમાં એક મોટી અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના કતારગામ (Katargham) વિસ્તારમાં ક્રેન મારફતે એમ્બ્રોડરી મશીન )embroidery machine accident) ચઢાવતા સમયે મશીન સાથે બે મજૂરોના નીચે પટકાતા કરૂણ મોત નિપજ્યા છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના કતારગામ જીઆઈડીસીમાં જ્યારે ત્રીજા માળ પર એમ્બ્રોડરી મશીન ક્રેન મારફતે ચઢાવવામાં આવતું હતું, તે સમયે બની હતી. ઘટના બાદ તુરંત મજૂરોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, બંનેના સ્થળ પર મોત થઈ ગયા હતા. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો કતારગામ જીઆઈડીસીના ખાતા નંબર 908 અને 909 પાસે ત્રીજા માળે એબ્રોડરી મશીન ચઢાવવા માટે ક્રેન મંગાવવામાં આવી હતી, ક્રેન દ્વારા મશીન ચઢાવવાની કામગીરી ચાલી રહી હતી. તે સમયે એક મજૂર મશીન પર બેઠો હતો અને બીજો ત્રીજે માળે દોરડુ પકડી ઉભો હતો, અને કોઈ કારણસર અચાનક ક્રેનમાંથી મશીન છૂટીને ધડાકાભેર નીચે પડ્યું અને તેની સાથે બે મજૂરો પણ નીચે પટકાયા, જેમાં ગંભીર રીતે ઘાયલ થતા બે મજૂરોના મોત નિપજ્યા હતા.
પોલીસ સૂત્રો અનુસાર, અકસ્માતમાં મોતને ભેટનાર શિવ કરણ પ્રજાપતિ (ઉ.વ.28) અને સંદીપ પ્રજાપતિ (ઉ.વ.19)નો સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે, આ દુર્ઘટનાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે, મશીન નીચે પડે છે, તેની સાથે બે મજૂરો પણ નીચે પટકાય છે. આ મામલે પોલીસે બંને યુવકની લાશને પીએમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર