સુરતમાં ફરી એક વાર અંડરવર્લ્ડ પોતાનું માથું ઉચકી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સુરતના, એક બિલ્ડરને ખંડણી માટે દુબઇથી ફોન કરી ધમકી આપવામાં આવી છે, જેને લઈને સુરત પોલીસ દોડતી થવા પામી છે.
સુરતના ક્રાઇમ બ્રાન્ચમાં એક બિલ્ડરે ફરિયાદ આપી છે કે, ગત તારીખ 30 અને 31 મીના રોજ અનનોન નંબર પરથી ફોન આવ્યો હતો અને આ બિલ્ડર પાસે રૂપિયા પાંચ લાખની ખંડણી માંગી હતી અને ખંડણી નહીં આપતા તેને ઉડાવી નાખવાની ધમકી આપી હતી.
જોકે આ ફોન દુબઇથી રવિ પુજારીના નામે કરવામાં આવ્યો હતો. બિલ્ડરે આ મામલે ફરિયાદ કરી હતી અને સમગ્ર મામલો ગુપ્ત રાખવા જણાવ્યુ હતુ. પરંતુ સુરત પોલીસના સૂત્રોના હવાલે આખો મામલો મીડિયા સુધી પહોંચી ગયો. જોકે પોલીસ ઘટના મામલે બિલ્ડરને સમર્થન આપી રહી છે અને બિલ્ડરનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ દેશમાં કેટલાએ બિઝનેસમેન અને મોટા વ્યાપારીઓને અંડરવર્લ્ડ દ્વારા ખંડણી માંગવાની ઘટનાઓ સામે આવેલી છે, અને સાથે ધમકી પણ આપવામાં આવતી હોય છે કે, કંડણી નહીં આપવામાં આવે તો જાનથી મારી નાખવામાં આવશે. આ વખતે અંડરવર્લ્ડ ડોન રવી પૂજારાના નામે ખંડણી માંગવામાં આવી છે. હવે પોલીસ ફોન કોલ્સના આધારે તપાસ હાથ ધરી છે, અને બિલ્ડરને પ્રોટક્શન પૂરૂ પાડવાની ખાતરી આપી છે.