Home /News /surat /સાધુ "હની ટ્રેપ"માં ફસાયા !

સાધુ "હની ટ્રેપ"માં ફસાયા !

ટ્રસ્ટીઓએ એક પત્રકાર પરિષદ કરી નાખી અને દાવો કર્યો કે, ''આ મંદિર-સંસ્થાને બદનામ કરવાનો ઈરાદો છે, અમે પોલીસને સહકાર આપી રહ્યા છીએ ''

ટ્રસ્ટીઓએ એક પત્રકાર પરિષદ કરી નાખી અને દાવો કર્યો કે, ''આ મંદિર-સંસ્થાને બદનામ કરવાનો ઈરાદો છે, અમે પોલીસને સહકાર આપી રહ્યા છીએ ''

ન્યૂઝ18 ગુજરાતી :

ગઈકાલે સુરતના ડભોલીના સ્વામિનારાયણ મંદિરના એક સ્વામિનારાયણ સાધુ કથિત રીતે કામાચાર કરતા પકડાયા, બળાત્કારનો ગુનો દાખલ થયો અને આજે પોલીસ દ્વારા કોર્ટમાં રજુ કરતા તેમને એક દિવસના રિમાન્ડ ઉપર મોકલી અપાયા. અહીં સુધી બધું ઠીકઠાક ચાલ્યું.

આ પણ વાંચો સ્ટેચ્યૂ ઓફ યુનિટીઃ એકતા યાત્રા, ભીડ, વિરોધ અને વિવાદ વચ્ચે ભીસાતી સરકાર

પ્રાપ્ત માહિતી અનુસાર આ સાધુ કરણ સ્વરૂપદાસનું પુર્વાશ્રમનું નામ નિકુંજ બાબુભાઇ સવાણી હતું, ઉમર વર્ષ 24 છે અને મૂળે ભાવનગરના અડતાળાના વતની છે. પાંચ વર્ષથી તેઓ અહીં સાધુ તરીકે રહેતા હતા.

આંચકારૂપ વાત એ છે કે આજે આ સાધુના વહારે મંદિર ટ્રસ્ટ આવ્યું. ટ્રસ્ટીઓએ એક પત્રકાર પરિષદ કરી નાખી અને દાવો કર્યો કે, " આ મંદિર-સંસ્થાને બદનામ કરવાનો ઈરાદો છે, અમે પોલીસને સહકાર આપી રહ્યા છીએ અને પોલીસને તમામ વિગતો આપી છે. વળી, સ્વામીને માર મારનારે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. યુવતીની સાથે તેના માતા-પિતા અને અન્ય 2 લોકો પણ હતા. એટલું જ નહિ, સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે અને આ સ્વામી વિરુદ્ધ મોટું ષડયંત્ર છે. આ બીજું કઈ નહિ પરંતુ રૂપિયા પડાવવાની વાત છે. સ્વામીને અવાવરૂ જગ્યાએ લઈ જવાયા હતા. આ બનાવ હનીટ્રેપ જેવો છે"

એક વડીલ ટ્રસ્ટી તો પાછા એવું બોલે છે કે કશું સાબિત નથી થયું। જો એવું છે તો પછી આ પત્રકાર પરિષદ જ શા માટે કરો છો ? એક દિવસમાં બધું જાણે સાબિત થઇ જવાનું હોય !

ગજબ ચાલી રહ્યું છે, નહિ ? સ્વામિનારાયણના સાધુ 'હની ટ્રેપ'માં ફસાયા ? જે સંપ્રદાયમાં સ્ત્રીઓનો ચહેરો સુદ્ધા જોવાની મનાઈ છે, તે સાધુ આ મહિલાના સંપર્કમાં આવ્યા કેવી રીતે ? 'હની ટ્રેપ' નો મતલબ જ એ છે કે કોઈ આકર્ષક વ્યક્તિની અસરમાં આવી જઈને કોઈક છુપી માહિતી આપી દેવી કે એવું કાર્ય કરી બેસવું જે શોભાસ્પદ ન હોય ! ખેર, આ બધી આદર્શ વાતો છે, બાકી વધુ ટિપ્પણી કરવી અહીં અનુચિત જ રહેશે.

હવે માની લઈએ કે આ સાધુજી મહારાજ સાચા છે, તો તેમના રૂમમાંથી જે અણછાજતી વસ્તુઓ મળી આવી, કેટલાક પુરાવાઓ મળી આવ્યા તે શું ખોટા ? વળી, આ સાધુને જ શા માટે ફસાવવામાં આવ્યા ? મંદિર ટ્રસ્ટ એવા તો કેવા આર્થિક વ્યવહારો કરે છે ? પૈસા કોની પાસેથી પડાવવાના હતા - સાધુ પાસેથી કે ટ્રસ્ટ પાસેથી ? જો બંને પાસેથી- તો શા માટે ? પોલીસે નકલી પોલીસ બનીને આવેલા વ્યક્તિની રાતોરાત ધરપકડ કરી નાખી ? આ બધા જ પ્રશ્નો અત્યારે તો અનુત્તર જ રહે છે.

જે કોઈ તપાસ થાય અને બહાર આવે પરંતુ આ ટ્રસ્ટીઓ જે રીતે કૂદી પડ્યા છે અને તે પણ આ પ્રકારના મામલામાં તે મંદિરો, ટ્રસ્ટો અને ટ્રસ્ટીઓની વિશ્વનીયતા તો જોખમાવે જ છે, સાથે-સાથે તેમની નબળી માનસિકતા છતી કરે છે.
First published:

Tags: Condom, Honey trap, Sadhu, Sexual assault, SWAMI, Swaminarayan, દુષ્કર્મ, બળાત્કાર, સુરત