સુરત : સ્મીમેર હોસ્પિટલ (Surat smimer hospital)ના પોસ્ટમોર્ટમ રૂમમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર (Medical Officer) ડો. દીપક ગઢિયાને કોવિડ-19 (Covid-19)નો રીપોર્ટ ઝડપથી આપવા માટે રૂ. ૨૫૦૦ની લાંચ (Bribe) લેવાનું ભારે પડ્યુ છે. એસીબી (ACB) દ્વારા ડો.ગઢિયાને રૂપિયા 2500ની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો હતો.
શહેરના એક નાગરિકે કોર્ટમાં તારીખ માટે માટે જવાનું હતું. કોર્ટમાં પોતાને કોરોના પોઝીટીવ હોવાનું જણાવીને આ નાગરિક હાજર થવા માંગતો ન હતો. કોર્ટ કાર્યવાહીથી બચવાના ઇરાદે તેણે કોરોનાનો પોઝીટીવ રિપોર્ટ મેળવવા માટે સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડો. દીપક ગઢિયાનો સંપર્ક કર્યો હતો. ડો. દીપક ગઢિયાઍ માટે તે નાગરીક પાસે રૂપિયા છ હજારની લાંચ માંગી હતી. જે તે દિવસે તે નાગરીકને ડો. ગઢિયાઍ વોટ્સઍપ પર આધારકાર્ડની નકલ મોકલી આપવાનું કહ્યું હતું.
આ નાગરીકે આધારકાર્ડ મોકલી આપ્યો હતો. ત્યાર બાદ સમાધાન પેટે રૂપિયા પાંચ હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તે નાગરીકે ગઈકાલે ડો. દીપક ગઢિયાને રૂપિયા ૨૫૦૦ આપી દીધા હતા. પરંતુ ત્યારબાદ નાગરીકે બીજી તરફ સુરતની ઍન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ આપી હતી.
એસીબીના ઍસીપી નિરવસિંહ ગોહિલે નવસારી ઍસીબીના પીઆઇ ઍન.કે. કામળીયા અને કે.જે. ચૌધરી લાંચનો કેસ કરવાની વાત કરતાની સાથે જ આજે બંને પીઆઇઓઍ ભેગા મળી સ્મીમેર હોસ્પિટલના મુખ્ય દરવાજા પાસે વોચ ગોઠવી હતી. જયાં ડો. ગઢિયા રૂપિયા ૨૫૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. ઍસીબી પોલીસે ડો. ગઢિયાની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનિય છે કે, અગાઉ ડો.દીપક ગઢિયા ટીબીની દવાઓ બારોબાર વેંચી મારવાના કૌભાંડમાં પણ સપડાયો હોવાનું કહેવાય છે અને તેમાં પણ તેમના પર આરોપ લાગ્યા હતા. એસીબી દ્વારા હવે સમગ્ર પ્રકરણની તપાસ આદરવામાં આવી છે. જોકે તપાસ કરતાં આ મામલે મોટા ખુલાસા થાય તેવી શકયતા છે.