સુરત: શહેરમાં 40 વર્ષીય એન્જિનિયર મહિલાએ માતા-પિતાની સેવા કરવા માટે લગ્ન કરવાના બદલે IVFની મદદથી બે ટ્વીન્સ બાળકોને જન્મ આપ્યો છે. પ્રતિષ્ઠિત સુરતના દેસાઈ પરિવારમાં બે બહેનો માટે પસંદગીના પાત્રો શોધવા માતા-પિતા દ્વારા અથાગ પ્રયાસ કરાયા હતા, પરંતુ યોગ્ય પાત્ર ન મળતા પરિવારનું વંશ કઈ રીતે આગળ વધારવું તેની ચિંતા માતા-પિતા અને બંને બહેનોને થઈ હતી. પરિવારની બે પૈકીની એક બહેન હોટેલ મેનેજમેન્ટને લઈને વિદેશમાં સ્થાયી થઈ ગઈ હતી. જ્યારે સુરત રહેતી એન્જિનિયર ડિમ્પલ દેસાઈએ માતા-પિતાની સેવા કરવાની સાથે પોતે માતા બની પરિવારના વંશને આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો. તેમણે નવ મહિનાની કઠીન પરીક્ષા બાદ આઈવીએફની મદદથી બે ટ્વીન્સ બાળકોને જન્મ આપતા પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. જ્યાં ડિમ્પલ દેસાઈ સમાજમાં સિંગલ મધર તરીકે ઓળખ આપવા માટે પૂરેપૂરા સજ્જ છે.
લગ્ન કરવાના બદલે IVF દ્વારા બાળકોને જન્મ આપવાનો નિર્ણય
સુરત શહેરના ભટાર વિસ્તારમાં રહેતા પ્રતિષ્ઠિત દેસાઈ પરિવારમાં બે બહેનો અને માત્ર માતા-પિતા સહિતનો એક નાનો પરિવાર રહે છે. આમ તો આ દેસાઈ પરિવાર સુખી સંપન્ન છે. પરિવારની બંને દીકરીઓએ ઉચ્ચ શિક્ષણ મેળવી ઉચ્ચ ડિગ્રી પણ હાંસલ કરી છે. જેમાં 40 વર્ષીય ડિમ્પલ દેસાઈએ એન્જિનિયર કર્યું છે, જ્યારે બહેન રૂપાલ દેસાઈએ હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિદેશ સ્થાયી થઈ ગઈ છે. સુરતમાં રહેતા માતા-પિતાની સેવા કરવા માટે બંને દીકરીઓને ચિંતા સતાવી રહી હતી. પરિવારનું વંશ આગળ વધે તે માટે દીકરીઓના લગ્ન કરાવવા માટે માતા-પિતા દ્વારા યોગ્ય પાત્રની શોધ પણ કરવામાં આવી હતી. પરંતુ પસંદગીના યોગ્ય પાત્ર ન મળતા દીકરીઓના લગ્ન થઈ શક્યા નહોતા. જોકે સુરતમાં રહેતી ડિમ્પલ દેસાઈએ માતા-પિતાની સેવા કરવાની સાથે લગ્ન કરવાના બદલે આઈવીએફની સારવાર લઈને બાળકોને જન્મ આપવાનો નિર્ણય કર્યો હતો.
ડિમ્પલ દેસાઈના આ નિર્ણય સામે પરિવારે સહમતિ દર્શાવી હતી. જેથી ડિમ્પલ દેસાઈએ પરિવારના પરિચીત તબીબ રાજીવ પ્રધાનનો સંપર્ક કર્યો હતો. જ્યાં રાજીવ પ્રધાન અને તેમની પત્ની રશ્મી પ્રધાને ડિમ્પલને આઈવીએફની સલાહ આપી હતી. આઇવીએફની સારવાર લીધા બાદ બાળકને જન્મ આપવામાં આવે તો ડિમ્પલ સામે સમાજમાં મોટા પડકારો ઊભા થઈ શકે તે અંગેની સમજણ પણ તબીબ દંપત્તિએ ડિમ્પલને આપી હતી. જ્યાં મક્કમ મને ડિમ્પલે અંતે IVFની સારવાર લેવાનો નિર્ણય કર્યો હતો. નવ મહિનાની કઠિન પરીક્ષામાંથી પસાર થઈ ડિમ્પલે આઇવીએફની સારવાર લઈ બે ટ્વીન્સ બાળકોને જન્મ આપ્યો હતો. ટ્વીન્સ બાળકોના જન્મ બાદ પરિવારમાં ખુશીનો માહોલ તો જોવા મળ્યો પરંતુ ચિંતા એ બાબતની હતી કે બાળકોના પિતા કૌન? છતાં પણ ડિમ્પલે બાળકોને સિંગલ મધરનો દરજ્જો આપવાની તૈયારી દર્શાવી સમાજમાં એક નવી ઓળખ અપાવવા મક્કમ મનોબળ બનાવી લીધું છે. બંને ટ્વીન્સ બાળકોના જન્મ બાદ પરિવારનું વંશ જ આગળ વધારવામાં આવશે. જે માટે ડિમ્પલ અને તેની બહેન સહિત માતા-પિતા પણ આ બંને ટ્વીન્સ બાળકોનો સારી રીતે ઉછેર કરવાનો નિર્ણય કરી ચૂક્યા છે.
આઈવીએફની સારવાર લેતાં પહેલા મહિલા તબીબ રશ્મી પ્રધાને ડિમ્પલને અગાઉથી પૂરેપૂરી રીતે પ્રિપેર કરી હતી. બાળકોના જન્મ બાદ પિતાનું બિરુદ પણ જરૂરી હોય છે. બાળકો મોટા થયા બાદ અન્ય બાળકો જોડે સંપર્કમાં આવશે. જે બાદ અન્ય બાળકો પણ પિતા અંગે તેમને પૂછી શકે છે. આવી પરિસ્થિતિમાં બાળકોની માનસિક સ્થિતિ પણ જળવાય તે જરૂરી છે. જે અંગેની સમજણ મહિલા તબીબ દ્વારા આપવામાં આવી હતી. તેમ છતાં ડિમ્પલે બાળકોને સિંગલ મધરનો ટેગ આપવા તૈયાર થઈ હતી. જ્યાં અંતે તેણી આવીએફ સારવાર કરાવવા પૂરી રીતે તૈયાર થઈ હતી અને આજે ડિમ્પલને બે ટ્વીન્સ બાળકો છે.
અનેક માટે પ્રેરણાસ્ત્રોત બની ડિમ્પલ
સુરતમાં દેસાઈ પરિવારની ડિમ્પલ સામાન્ય રીતે સમાજમાં નિસંતાન, વિધવા અને ડાયવોર્સ મહિલાઓ કે જે સંતાન માટે ઝંખતી હોય છે, તેના માટે પ્રેરણા સ્ત્રોત બની છે. આવા સંજોગોમાં IVF સારવાર પણ મહિલાઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. લગ્ન કર્યા વિના બાળકોને જન્મ આપનારી મહિલાઓને એક અલગ નજરથી સમાજમાં જોવામાં આવે છે, પરંતુ હવે સમય બદલાયો છે. જે વાત સુરતના દેસાઈ પરિવારની 40 વર્ષીય એન્જિનિયર માતા બનેલી ડિમ્પલ દેસાઈએ સાબિત કરી બતાવી છે. ડિમ્પલ દેસાઈએ IVFની સારવાર થકી જન્મ આપેલા બંને ટ્વીન્સ બાળકો પણ સ્વસ્થ હાલતમાં છે. જ્યાં આ બંને બાળકોનો ઉછેર હવે દેસાઈ પરિવાર કરશે અને સમાજને એક નવી રાહ ચિંધવાનો પણ પ્રયાસ કરશે.