સુરત પ્રભાત તારા સ્કૂલના ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. આ સ્કૂલના ધોરણ 10 અને 12 વિદ્યાર્થી nios હેઠળ લેવાતી પરીક્ષામાં ઉપસ્થિત રહી પોતાનું વર્ષ બગડતુ બચાવી શકશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શિક્ષણ વિભાગ દ્વારા સુરતની પ્રભાત તારા સ્કૂલના વિદ્યાર્થીઓ માટે પ્રયત્ન કરવાને પગલે, બોર્ડની પરીક્ષા આપવાથી આ વર્ષે વંચીત રહી ગયેલા વિદ્યાર્થીઓનું વર્ષ નહી બગડે. શિક્ષણ વિભાગના પ્રયત્નોથી ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલય હેઠળ કાર્યરત એવી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કુલિંગ ( nios) દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે niosના ડાયરેક્ટર સાથે સંપર્ક કર્યો હતો, પરીક્ષાથી વંચીત રહેલા 54 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે 16 માર્ચથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. જે અંતર્ગત એપ્રિલ 2019માં nios દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે. આ પરીક્ષાનું પરીણામ આ વર્ષે જ આવવાથી વિદ્યાર્થીનું વર્ષ પણ નહી બગડે.
ઉલ્લેખનીય છે કે, સુરતના રાંદેર વિસ્તારની પ્રભાત સ્કૂલના ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા માટે હોલ ટિકિટ ન મળતા ગઈ કાલે 54 જેટલા વિદ્યાર્થીઓ ડીઈઓ કચેરીએ પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓ જીલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી પરંતુ વિદ્યાર્થીઓને નિરાશા હાથ લાગી હતી. વિદ્યાર્થીઓને કહી દેવામાં આવ્યું છે કે, સ્કૂલની માન્યતા બોર્ડ દ્વારા રદ કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ પરીક્ષા નહી આપી શકે. સરકાર દ્વારા પણ વિદ્યાર્થીઓને કહી દેવામાં આવ્યું કે, બે વર્ષ પહેલા જ આ સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે. આ સ્કૂલમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા નહી આપી શકે તેવો હાઈકોર્ટે પણ ચુકાદો કરેલો છે. જેથી રાજ્ય સરકાર પણ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈ શકે તેમ નથી. જેથી વિદ્યાર્થીઓ આવતીકાલે શરૂ થતી પરીક્ષામાં બેસી નહી શકે. જેને લઈ પ્રભાત તારા સ્કૂલના વિદ્યાર્થીઓને રઝળવાનો વારો આવ્યો છે. સ્કૂલની માન્યતા રદ્દ થવાને કારણે બોર્ડના 54 વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળી શકી ન હતી.