સુરતઃ શહેર પોલીસે વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે. ત્યારે સુરતમાં યોજાયેલા લોક દરબારમાં એક પરિવારે રડતી આંખે પોલીસનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, ‘આત્મહત્યા કરતા અમને બચાવીને વ્યાજખોરોમાંથી પોલીસે છોડાવ્યાં’ આ પરિવારે સુરત એડિશન પોલીસ કમિશનરના ચરણસ્પર્શ કરીને પોલીસનો આભાર માન્યો હતો.
સુરત શહેર પોલીસે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી છે. ત્યારે સુરતમાં એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જહાંગીરપુરા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વ્યાજખોરના ચક્રમાં ફસાયેલા દંપતીને પોલીસે મુક્ત કરાવતા દંપતીએ રડતી આંખે પોલીસનો આભાર માન્યો હતો અને પરિવારે પોલીસના ચરણ સ્પર્શ કર્યા હતા.
દંપતીએ પોલીસને નતમસ્તક થઈ આભાર માન્યો
જહાંગીરપુરામાં સંસ્કારધામ હોલમાં લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એડિશનલ CP કે એન. ડામોર અને ડીસીપી ઝોન પાંચ સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કરવા ગયેલા દંપતીને પોલીસ દ્વારા બચાવવામાં આવ્યા હતા. તેથી આ દંપતીએ પોલીસની કામગીરીની પ્રસંશા કરી હતી અને વ્યાજના ચક્રમાંથી પોલીસે પરિવારને મુક્ત કરાવ્યો હોવાના કારણે પરિવારે એડિશનલ સીપીના ચરણોમાં નતમસ્તક થઈને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
વ્યાજખોર પઠાણી ઉઘરાણી કરતો હતો
વ્યાજના ચક્રમાં ફસાયેલા રમેશ ઓઝા નામના વ્યક્તિએ આપવીતી જણાવતા કહ્યું કે, ‘તેમને એક વ્યાજખોર પાસેથી પૈસા લીધા હતા અને મુદ્દલ સહિત વ્યાજની રકમની ચૂકવણી કરી દીધા છતાં ત્રણ ગણી રકમ આ દંપતી પાસેથી વ્યાજખોરે વસૂલી હતી અને તે હંમેશા પઠાણી ઉઘરાણી કરતો હતો. ગામની મિલકત વેચીને પણ વ્યાજની રકમ ચૂકવી દીધી હતી છતાં વ્યાજખોર વ્યાજ વસૂલતો હતો. જેથી તે આપઘાત કરવા ગયા હતા પરંતુ પોલીસે તેમને બચાવી લીધા હતા અને વ્યાજખોર સામે કાર્યવાહી કરીને પોલીસે મુક્તિ અપાવી હતી.’ જો કે, આ બાદ અધિકારી પણ ભાવુક થયા હતા.