સુરત: દરેક લોકોનું સપનું હોય છે કે તેનો પાસપોર્ટ (Passport) હોય અને તેના આધારે તે વિદેશની યાત્રા (Foreign tour) પણ કરે. પાસપોર્ટ ખૂબ જ અગત્યનો દસ્તાવેજ હોવાથી તેને મેળવવા માટેની પ્રક્રિયા અન્ય દસ્તાવેજો મેળવવાની સરખામણીમાં લાંબી છે. પાસપોર્ટ ઓફિસ (Passport office) ખાતેની તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતમાં પોલીસ વેરિફિકેશન (Police verification) કરવું પડે છે. પોલીસ વેરિફિકેશ સમયે પૈસા લેવામાં આવતા હોવાની અનેક ફરિયાદો ઉઠતી હોય છે. હવે આવો જ એક મામલો સુરત શહેરમાંથી પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક પોલીસકર્મી પૈસા લેતો કેમેરામાં કેદ થઈ ગયો છે.
સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારીનો વીડિયો હાલ ફરતો થયો છે. આક્ષેપ છે કે તે પાસપોર્ટ વેરિફિકેશન માટે આવતા લોકો પાસેથી પૈસાની ઉઘરાણી કરે છે. એવો આક્ષેપ છે કે, પાસપોર્ટ વેરિફિકેશન માટે આવતા તમામ અરજદારો પાસેથી 500, 1000, 2000, 3000 રૂપિયાની ઉઘરાણી કરવામાં આવે છે.
એક જાગૃત નાગરિકે આ અંગેનો વીડિયો પોતાના મોબાઇલમાં ઉતારી લીધો છે. તેમનું કહેવું છે કે છેલ્લા એક વર્ષથી પાસપોર્ટ વેરિફિકેશન માટે આવતા અરજદારો પાસેથી આ જ રીતે રૂપિયા લેવામાં આવે છે. જાગૃત નાગરિકનો આક્ષેપ છે આજની તારીખમાં પણ આ ઉઘાડી લૂંટ ચાલી રહી છે. આ મામલે તપાસ કરીને પૈસા ઉઘરાવતા કર્મચારી સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ઉલ્લેખનીય છે કે પાસપોર્ટ ઓફિસ તરફથી તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યાં બાદ અરજદાર કોઈ ગુનાહિત ઇતિસાસ નથી ધરાવતો તેમજ પાસપોર્ટમાં લખેલા જે તે સ્થળે રહે છે કે નહીં સહિતની ખરાઈ પોલીસ તરફથી કરવામાં આવે છે. પોલીસ વેરિફિકેશન પૂર્ણ કરીને પાસપોર્ટ ઓફિસને પોતાનો રિપોર્ટ મોકલે ત્યાર બાદ જ પાસપોર્ટ ઓફિસ જે તે અરજદારને પોસ્ટ મારફતે પાસપોર્ટ મોકલે છે. પોલીસ વેરિફિકેશન ફરજિયાત હોવાથી અનેક વખત અરજદારોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને પૈસા પડાવવામાં આવતા હોય છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર