સુરતનો પોલીસ કોન્સ્ટેબલ ગુમ થયાને 6 મહિના થઈ ગયા હોવા છતાં તેનો અત્તોપત્તો ના લગતા પરિવારે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી.
Surat Police: મિથુને દિલ્હી પોલીસમાંથી બહાર નીકળ્યા બાદ પોતાનો મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો હતો અને ગુમ થઈ ગયો હતો. ત્યારબાદથી 6 મહિના થયા છતાં પણ મિથુનનો કોઈ અત્તોપત્તો નહીં લાગતાં સુરત પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો.
સુરતઃ પોલીસ વિભાગના ડીસીપી ઝોન-2માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મિથુન ચૌધરી તેમજ કાપોદ્રા પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિપુલ કોટડિયાએ પોતાના જ પોલીસ વિભાગની માહિતી લીક કરવાનું કૌભાંડ આચર્યું હોવાનો એક મામલો સામે આવ્યો હતો. જેમાં ડીસીપી કક્ષાના અધિકારીઓના આઇડી અને પાસવર્ડ મેળવી તેમાંથી પોલીસના કોલ રેકોર્ડિંગ મેળવી લઈ તે ડેટા દિલ્હીની પ્રાઇવેટ જાસૂસી સંસ્થાને વેચવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. એક માહિતી પાસઓન કરવાના 25 હજાર બંને કોન્સ્ટેબલો મેળવતા હોવાના આક્ષેપ વચ્ચે દિલ્હી પોલીસ મિથુન ચૌધરીને ઊંચકી ગઈ હતી. તેની તપાસ બાદ દિલ્હી પોલીસે વિપુલની પણ ધરપકડ કરી હતી અને મિથુનને જવા દીધો હતો.
6 મહિના બાદ પણ કોઈ અત્તોપત્તો નહીં
મિથુને દિલ્હી પોલીસમાંથી બહાર નીકળ્યા બાદ પોતાનો મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો હતો અને ગુમ થઈ ગયો હતો. ત્યારબાદથી 6 મહિના થયા છતાં પણ મિથુનનો કોઈ અત્તોપત્તો નહીં લાગતાં સુરત પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. અગાઉ આ વાતને પોલીસ કમિશનર અજય તોમરે પણ ગંભીરતાથી લીધી હતી અને મિથુનને શોધવા કમિશનરને સુરત ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી હતી. આ તપાસમાં કાપોદ્રા પોલીસની ટીમ પણ જોતરાઈ હતી.
પોલીસના કહેવા પ્રમાણે, મિથુન દિલ્હીથી નીકળ્યા બાદ અમદાવાદમાં જોવા મળ્યો હતો. તેને આધારે કાપોદ્રા અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમદાવાદ પહોંચી હતી, પણ ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલનો કોઈ અત્તોપત્તો લાગ્યો નથી. પોલીસ કોન્સ્ટેબલ જલ્દીથી મળી જાય તેથી તેમના પરિવારના સભ્યોએ સુરત પોલીસ કમિશનરને ફરીથી આ બાબતે રજૂઆત કરી છે.
પગાર ન મળવાને કારણે પરિવાર આર્થિક સંકટમાં
પોલીસ કોન્સ્ટેબલ મિથુન ચૌધરીનો પરિવાર આર્થિક મુશ્કેલીનો પણ સામલો કરી રહ્યો છે. પોલીસ કોન્સ્ટેબલને બે સંતાનો છે જે અભ્યાસ કરે છે અને છેલ્લા બેથી ત્રણ મહિનાથી પોલીસ કોન્સ્ટેબલનો પગાર પણ પરિવારને મળ્યો ન હોવાને કારણે પરિવાર પર આર્થિક સંકટ ઊભું થયું છે અને પોલીસ પાસે મદદની માગણી કરી રહ્યું છે.