સુરત: શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઓરિસ્સાના ગંજામ જિલ્લામાં દિલધડક ઓપરેશન કરીને બે આરોપીની ધરપકડ કરી સુરત ખાતે લઈ આવી છે. સુરત પોલીસ ઉપર ઓરિસ્સાના ગંજામમાં પથ્થરમારો થયો હોવા છતાં આરોપીને લઈને સુરત આવી છે. આ બંને શાતિર આરોપીઓએ અનેક યુવાનોની જીંદગી બરબાદ કરી છે. આ બંને શાતિર આરોપીઓ ગુજરાતના સુરત શહેરમાં ગાંજો સપ્લાય કરવાનું કામ કરે છે. આ લોકો ઓરિસ્સાના ગંજામ શહેરથી ગાંજાને મોકલાવતા હતા.
આ લોકો ગાંજો ટ્રેન અને અન્ય માધ્યમ મારફતે ગાંજો મોકલાવતા હતા. ગાંજો ગુજરાત આવ્યા પછી જો ઝડપાઈ જાય તો પણ આ બંને શાતિર આરોપીઓના નામ ગાંજો લઈને આવનાર બોલતા નહોતા. પરંતુ જ્યારે ગાંજોની ચોક્કસ બાતમી પોલીસ પાસે હતી ત્યારે આ બંને આરોપીઓના નામ પોલીસ તપાસમાં ખુલ્યા છે.
ક્રાઈમ બ્રાન્ચની ટીમ બંને આરોપીને ઝડપી પાડવા માટે ઓરિસ્સાના ગંજામ પહોંચી હતી. ચોક્કસ બાતમી હતી કે ગંજામમાં આ બંને આરોપીઓ જે ઘરમાં છુપાયા છે તે માહિતી હોવાથી પોલીસે ઓરિસ્સા એસટીએફ અને સ્થાનિક પોલીસની મદદથી આરોપીઓ સુધી પહોંચી હતી. પોલીસે ગંજામથી ચિત્રા ઉર્ફે ચિત્રસેન વૃંદાવન પરીડા અને ગુડ્ડી વૃંદાવન પરીડાની ધરપકડ કરી છે.
આરોપીઓની ધરપકડ કરતાની સાથે ગામ લોકો ભેગા થયા અને પોલીસ ઉપર પથ્થરમારો કરવાનો શરૂ કરી દીધો. જોકે, પોલીસ દ્વારા સિફ્તતા વાપરીને તુરત જ ત્યાંથી આરોપીઓને લઈ રવાના થઈ હતી.
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ પોતાનો જીવ બચાવી આરોપીને લઈને સુરત આવી પહોંચી આ બંને આરોપીઓ ઉપર પોલીસ દ્વારા ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આરોપી ચિત્રા ઉર્ફે ચિત્રસેન પર 20 હજાર અને ગુડ્ડી ઉપર 10 હજારનું ઈનામ હતું. આ બંને આરોપીઓ ઉપર પુણા ગામમાં 51 કિલો, કતારગામ પોલીસ સ્ટેશનની હદમાં 49 કિલો અને ઓલપાડ પોલીસ સ્ટેશનની હદમાં 600 કિલો ગાંજાનો જથ્થો સપ્લાય કરવામાં બંને આરોપીઓના નામ ખુલ્યા હતા.
આ ઉપરાંત બંને આરોપીઓ વિરૂદ્ધ ભુવનેશ્વર એસટીએફ દ્વારા 1 હજાર કિલો ગાંજાનો ગુનો દાખલ કરાયો છે. સુરત પોલીસ દ્વારા પથ્થરમારાની વચ્ચેથી બંને આરોપીઓને સુરત સુધી લાવવામાં આવ્યા છે.