Home /News /surat /સુરતમાં 35 લાખના પોલીસ તોડકાંડ મામલો, છેતરપિંડીનો ગુનો દાખલ કરી ઉત્તરપ્રદેશથી એકની ધરપકડ

સુરતમાં 35 લાખના પોલીસ તોડકાંડ મામલો, છેતરપિંડીનો ગુનો દાખલ કરી ઉત્તરપ્રદેશથી એકની ધરપકડ

આરોપીની તસવીર

સુરતના અલથાણ વિસ્તારમાં પોલીસના તોડકાંડની એક ઘટના બની હતી. પ્રારંભિક તબક્કાઓમાં આ ઘટના બાદ પોલીસ દ્વારા ફરિયાદ પણ લેવામાં આવી નહોતી. ત્યારબાદ હવે તેમની સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.

સુરતઃ શહેરના અલથાણ વિસ્તારમાં પોલીસના તોડકાંડની એક ઘટના બની હતી. પ્રારંભિક તબક્કાઓમાં આ ઘટના બાદ પોલીસ દ્વારા ફરિયાદ પણ લેવામાં આવી નહોતી. ત્યારબાદ એકાએક જ અલથાણ પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને PI અને PSIની બદલી કરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ અધિકારીઓની બદલી અને સસ્પેન્ડની કાર્યવાહી બાદ પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે અને હવે આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે.

સુરતના પર્વતપાટિયાના કાપડ વેપારી સાથે સોના-ચાંદીના દાગીના આપવાના બહાને 35 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઉત્તર પ્રદેશના ગાજીપુરથી સમાજવાદી પાર્ટીના એક કાર્યકર્તાની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીનું નામ સમીરખાન પઠાણ હોવાનું સામે આવ્યું છે અને આરોપીનું કાકો સરફુદ્દીન આ ગુનાનો મુખ્ય સૂત્રધાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ ધોળા દિવસે સોનાની દુકાનમાં ઘૂસીને માથામાં બંદૂક મારી લૂંટનો પ્રયાસ, CCTV
 આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં રહેતા કાપડના વેપારી અભિષેક અગ્રહરી રોકડેથી સોનુ ખરીદવા માંગતા હતા અને ડિસેમ્બર મહિનામાં ઉત્તર પ્રદેશના ગાજીપુરમાં રહેતા રાકેશ અગ્રહરીને તેમને ફોન કર્યો હતો. ત્યારે રાકેશે ગાજીપુરના જ વતની અને સુરતના રામપુરા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા સરફુદ્દીન હમીદનો સંપર્ક અભિષેક અગ્રહરીને કરાવ્યો હતો.

ત્યારબાદ આરોપી સરફુદીને તેના સાગરીતોને 16 ડિસેમ્બરના દિવસે બપોરે આભવા ચોકડી હાઇવે પાસે મોકલીને ફરિયાદીને સોનુ ખરીદવા બોલાવી ફરિયાદી પાસેથી આરોપીઓએ 35 લાખ રૂપિયા પડાવી લીધા હતા અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા. જો કે, આ સમગ્ર મામલે અલથાણ પોલીસ સ્ટેશનના જ બે પોલીસ કોન્સ્ટેબલે વેપારીને આ ઘટનામાં ન્યાય અપાવવાના બદલે વેપારીનો 7 લાખનો તોડ કરી નાંખ્યો હતો અને આ મામલો સુરત પોલીસ કમિશનર સુધી પહોંચતા તાત્કાલિક અસરથી PI અને PSIની બદલી કરી બે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસ દ્વારા સમગ્ર મામલે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી.



અલથાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છેતરપિંડીની ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઉત્તર પ્રદેશના ગાજીપુરથી સમાજવાદી પાર્ટીના કાર્યકર્તા એવા સમીર ખાન પઠાણની ધરપકડ કરી છે અને આરોપીની પૂછપરછ માટે આરોપીને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Surat crime news, Surat news, Surat police

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો