સુરતઃ શ્વાન દ્વારા બાળકો પર હુમલા કરવાની અવારનવાર ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે સુરતમાં વધુ એક એવી ઘટના બની છે જેમાં હડકાયા શ્વાને હુમલો કરી એક બાળકનો જીવ લઈ લીધો છે. પાંડેસરા વિસ્તાર નજીક ભેસ્તાનના એક કપચીમાં પ્લાનમાં રમતા બાળકો પર પાંચ કરતાં વધુ શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈને બાળકની હાલત ગંભીર થઈ ગઈ હતી.
શ્વાને 25 બચકાં ભર્યા
મળતી માહિતી પ્રમાણે, 5 કરતાં વધુ શ્વાને હુમલો કરતા બાળકને 25 જેટલા બચકાં ભર્યા હતા. ત્યારે ગંભીર અવસ્થામાં તેને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ફરજ પર હાજર તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. સુરતમાં સતત દિવસેને દિવસે શ્વાનનો આંતક વધી રહ્યો છે. દરરોજ 100 કરતાં વધુ લોકોને શ્વાન કરડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે સુરતમાં સતત નાના બાળકો પર શ્વાનનો જીવલેણ હુમલો કરવામાં આવતો હોય છે. ત્યારે આવી ઘટનાને લઈને સમગ્ર શહેરમાં હાહાકાર મચી ગયો છે.
ટૂંકી સારવાર બાદ બાળકનું મોત
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ભેસ્તાન નજીક રેતી કપચીના પ્લાન્ટમાં બાળકો રમતા હતા. ત્યારે અચાનક પાંચ જેટલા કૂતરાં ત્યાં આવી ચડ્યા હતા અને હુમલો કર્યો હતો. ત્યારે શરીરમાં 25 કરતાં વધુ બચકા ભર્યા હતા. ત્યારે ઘટનાની જાણ થતા જ સાઇટના સંચાલકો સહિત બાળકના માતા-પિતા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારે બાળકને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ટૂંકી સારવાર બાદ ફરજ પર હાજર ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બાળકના મોત બાદ પરિવાર માથે આભ ફાટ્યું છે.
પહેલાં પણ આવી ઘટના બની હતી
સુરતના ખજોદમાં બે વર્ષની બાળકીને ત્રણ જેટલા શ્વાન દ્વારા 40 જેટલાં બચકાં ભરવાની ઘટનામાં બાળકીનું મોત થઈ ગયું છે. શ્વાનના હુમલામાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેની સારવાર ચાલી રહી હતી પરંતુ તેનો જીવ બચાવી શકાયો નથી. 19મી ફેબ્રુઆરીએ બાળકી રમી રહી હતી ત્યારે તેના પર શ્વાનોએ હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં તે ગંભીર રીતે ઘાયલ થયેલી બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.