Home /News /surat /સુરતમાં ક્રિકેટ મેચ રમતી વખતે હાર્ટએટેક આવતા યુવાનનું મોત નીપજ્યું, એક મહિનામાં છઠ્ઠી ઘટના
સુરતમાં ક્રિકેટ મેચ રમતી વખતે હાર્ટએટેક આવતા યુવાનનું મોત નીપજ્યું, એક મહિનામાં છઠ્ઠી ઘટના
મૃતક યુવાનની ફાઇલ તસવીર
ક્રિકેટ રમતી વખતે વધુ એક યુવાને જીવ ગુમાવ્યો છે. ઓલપાડ તાલુકાના નરથાણ ગામે આ ઘટના બની હતી. ક્રિકેટ રમતી વખતે યુવાન અચાનક બેભાન થઈ ગયો હતો અને ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું.
સુરતઃ ક્રિકેટ રમતી વખતે વધુ એક યુવાને જીવ ગુમાવ્યો છે. ઓલપાડ તાલુકાના નરથાણ ગામે આ ઘટના બની હતી. ક્રિકેટ રમતી વખતે યુવાન અચાનક બેભાન થઈ ગયો હતો અને ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે, સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના નરથાણ ગામે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અચાનક એક પ્લેયર ફિલ્ડિંગ કરતા કરતા બેભાન થઈ ગયો હતો. ત્યારે તાત્કાલિક આ ઘટના અંગે એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ત્યારે ફરજ પર હાજર ડોક્ટરે નિમેષને મૃત જાહેર કર્યો હતો. પોસ્ટમોર્ટમ કરતા જાણ થઈ હતી કે યુવકનું મોત હાર્ટએટેકને કારણે થયું છે. ત્યારે આ ઘટનાને પગલે સમગ્ર આહિર સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, નિમેષે મેચમાં 14 બોલમાં 42 રન ફટકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને જ સેલુત ગામે આવી જ ઘટના બની હતી. જેમાં કિશન પટેલ નામના યુવકનું મોત નીપજ્યું હતું.
ગુજરાતમાં અગાઉ પાંચ લોકોએ જીવ ગુમાવ્યો
રાજ્યમાં છેલ્લા એક મહિનામાં ક્રિકેટ મેચ દરમિયાન અનેક યુવાનોએ જીવ ગુમાવ્યા છે. આમ જોવા જઈએ તો એક જ મહિનામાં 5 યુવાનો ક્રિકેટ મેચ રમતી વેળા હાર્ટએટેકનો ભોગ બન્યાં છે અને તેમણે જીવ ગુમાવ્યો છે. તમામ કેસમાં એક વસ્તુ સામાન્ય જોવા મળી છે કે ઘટનાસ્થળે જ તમામ યુવાનોના મોત નીપજ્યા છે. મહત્ત્વનું છે કે, છેલ્લા એક વર્ષમાં હાર્ટએટેકની ઘટનાઓમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને, યુવાનોના સૌથી વધુ મોત હાર્ટએટેકથી થાય છે. ત્યારે આ સ્થિતિને લઈને આરોગ્ય નિષ્ણાંતો પણ વિચારતા થઈ ગયા છે.