સુરત : કોરોનાની લહેર કાબુમાં આવી છે, પરંતુ કોરોનાની બીજી લહેર પ્રથમ લહેર કરતા પણ ઘાતક સાબીત થઇ હતી. અને આ લહેરમાં કેટલાય બાળકોએ પોતાના માતા–પિતાનો આશરો ગુમાવ્યો. જેને લઈને કલ્પના પણ ન કરી શકાય એવી પરિસ્થિતિમાં આ બાળકો મુકાઈ ગયા છે. ત્યારે આ બાળકોની વહારે સુરતના ટેકસટાઈલ વેપારી પણ આગળ આવ્યા છે. ટેકસટાઈલ બિઝનેસ સાથે જોડાયેલા વેપારી સમ્રાટ પાટીલે તેમનો 41મો જન્મદિવસ આવા નિરાધાર થયેલા બાળકો સાથે ઉજવવાનું નક્કી કર્યું હતું. તેમણે તેમના જન્મદિવસે 21 બાળકોને દત્તક લીધા હતા. જે વિદ્યાર્થીઓએ માતા કે પિતા અથવા માતાપિતા બંનેની છત્રછાયા ગુમાવી છે તેવા 21 વિદ્યાર્થીઓને તેમણે દત્તક લીધા છે.
છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે, ભારતમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો, ખાસ કરીને આપણા દેશમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન ઘણા લોકો સંક્રમિત થયા અને ઘણા મૃત્યુ પણ પામ્યા, આ કપરા સમયમાં લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા, કોઈકે પોતાના માતા, કોઈકે પિતા તો કોઈ કુટુંબનો આખો માળો જ વિખેરાઈ ગયો, ઘણા બાળકોએ પોતાના પિતાની છત્ર છાયા ગુમાવી છે, તો કેટલાક બાળકોના માથેથી માતા-પિતા બંનેનો સહારો છીનવાઈ ગયો.
સુરતના લીંબાયત વિસ્તારના આવા જ 21 બાળકો કે જેમણે કોરોનાકાળ દરમ્યાન માતા કે પિતાની છત્રછાયા ગુમાવી હોય તેવા બાળકોને એક વર્ષ સુધી ભણાવવાની જવાબદારી સુરતના જ સમ્રાટ ભાઈ પાટીલ દ્વારા ઉઠાવવામાં આવશે. આ અંગે વધુ વાત કરતા સમ્રાટ ભાઈએ જણાવ્યું કે, કોરોનાની મહામારીએ ઘણા પરિવારોને વિખેરી નાખ્યા છે, ઘણા લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે, ખાસ કરીને આ કપરા સમયમાં ઘણા એવા બાળકો છે જેમણે પોતાના માતા કે પિતા ગુમાવ્યા હોય અને કેટલાક બાળકો એવા પણ છે જેમણે બંને માતા અને પિતા ને ગુમાવ્યા છે, તે જાણી ને અને મારી આંખો થી જોઈ ને મને આવા બાળકો પ્રત્યે એક લાગણી થઇ અને મને વિચાર આવ્યો કે સરકાર દ્વારા તો આવા બાળકો માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે પરંતુ હજુ પણ કેટલાક એવા બાળકો છે જેઓ આ સહાયથી વંચિત રહેશે, તો આ થાકી મને વિઆચાર આવ્યો કે મારા જન્મદિવસ નિમિત્તે હું આવા 21 બાળકો ને દત્તક લઉં કે જે બાળકો એ આ કોરોના માં પોતાના પિતા કે માતાને ગુમાવ્યા છે, અને હાલ તેઓ પોતાનું શિક્ષણ પૂરું નથી કરી શકતા.
તેમણે જણાવ્યું કે, ઘરના મોભી ગુજરી જવાના કારણે આ બાળકોને ભણવામાં આગળ વધવા માં મુશ્કેલી સર્જાય છે તો આવા 21 જેટલા બાળકો નો એક વર્ષ સુધી ભણવાનો ખર્ચ હું ઉઠાવીશ, અને ચાલુ વર્ષે પણ જો શાળાઓ નહિ ખુલે અને ઓનલાઇન શિક્ષણ જ ચાલુ રહેશે તો આ બાળકો ને એક વર્ષનું મોબાઈલ ઈન્ટરનેટનું રિચાર્જ પણ હું કરાવી આપીશ જેથી બાળકોને ઓનલાઇન ભણતરમાં સરળતા રહે. મારા ધ્યાનમાં આવ્યું કે, શહેરના લીંબાયત ગોડાદરા વિસ્તારના કેટલાક બાળકો આર્થિક કારણોસર પોતાનું ભણતર પૂરું નથી કરી શકતા તો આવા બાળકોને ભણાવીને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે એક નાનકડો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.