સુરત : ગુજરાતનું હાઇટેક લાજપોર જેલ છેલ્લા કેટલાક સમયથી મોબાઇલ શોપમાં પરિવર્તિત થઇ છે કારણ કે, અહીંયાથી અનેક વાર મોબાઇલ ફોન પકડાયા છે, ત્યારે હવે આ જેલનો નવો વિવાદ સામે આવ્યો છે. હત્યાના ગુનામાં જેલમાં કેદ આરોપી જેલમાં રહી વ્યાજના રૂપિયા માટે સુરતના એક વેપારી પાસે રૂપિયાની વસૂલી કરવા સાથે ધમકી આપતા આ વેપારીએ પોલીસમાં ફરિયાદ કરી છે અને આરોપી સાથે થયેલી વાતની ઓડિયો કલીપ પણ સોશિયલ મીડિયામાં વાઇરલ કરતા વિવાદ ઉભો થયો છે.
ગુજરાતની સૌથી હાઈટેક જેલ એટલે સુરતની લાજપોર જેલ, જે સીસીટીવીથી સજ્જ છે, પણ આ જેલમાં આરોપીને સજા ઓછી અને સગવડો વધુ મળતી હોવાની અનેક ફરિયાદ સામે આવ્યા બાદ પોલીસ વિભાગ અનેક વખત દરોડા પાડ્યા છે. ત્યારે અહીંયા આરોપી મોબાઇલ ફોન ઉપયોગ કરતા પણ પકડાયા છે. જોકે અહીંયા મોબાઇલ ફોન પર પ્રતિબંધ છે ત્યારે જિલ્લા લાજપોર જેલમાંથી હત્યા કેસના આરોપીઓ ટેલિફોનિક ધમકી આપી વ્યાજ વસૂલી કરી રહ્યા હોવાનું ઓડિયો સામે આવ્યો છે.
સુરતના રામપુરા ખાતે આવેલ રાજવાડી ખાતે રહેતા અને રેડીમેડ ગારમેન્ટના વેપારી હારુન મેમણે તેજ વિસ્તારમાં રહેતા ફૈયું પાસે વર્ષ 2019માં વેપાર માટે 10 ટકા એ રૂપિયા 3 લાખ વ્યાજે લીધા હતા. દર મહિને વ્યાજ આપતો આવ્યો છું. જોકે વર્ષ 2020માં માહામારીને લઈ લોકડાઉન આવી જતા વેપાર ઉદ્યોગ બંધ કરી દેવાયો હતો, ત્યારબાદ કોઈ આવક નહિ હોવાને કારણે વ્યાજ આપી શક્યા ન હતા. જેને લઈ ફૈયું દબાણ કરતો હતો ફૈયું અને એનું આખું પરિવાર એટલે કે માતા-પિતા અને ભાઈ ચારેય ભાગાતળાવના એક હત્યા કેસમાં 2016થી સજા કાપી રહ્યા છે. 2021માં પેરોલ પર આવી ફૈયુંએ વ્યાજ પર વ્યાજ જોડી 5 લાખની ઉઘરાણી શરૂ કરી હતી. નહિતર દુકાન આપી વ્યાજ અને મૂદ્દલ મુક્ત થઈ જા એમ કહી રહ્યો હતો. જેને લઈ અમે દર નહીંને 50 હજાર આપી થોડી રાહત લીધી હતી. ત્યારબાદ એ ફરી જેલમાં ચાલી જતા અમે વ્યાજ આપી શક્યા ન હતા.
હવે ત્યારબાદ એ સતત અમને અલગ અલગ મોબાઈલ નંબર પરથી ફોન સહિત અન્ય એક નંબર પરથી વ્યાજ માટે ધમકી આપવા લાગ્યો હતો. હત્યા કેસમાં સંડોવાયેલા ફૈયું અને એનું આખું પરિવાર જેલમાં બંધ હોવા છતાં મોબાઈલ ફોન પર બહાર વેપારીઓને ધમકાવી વ્યાજ સાથે રૂપિયા વસૂલી કરી રહ્યો છે. ફૈયું સામે અથવા પોલીસ સ્ટેશનમાં ઓન અનેક ગુનાઓ દાખલ છે જેલમાંથી પેરોલ પર આવેલા ફૈયું સુકરીએ ધમકી આપી બળજબરીથી દુકાન લખી આપવા દબાણ કરી રહ્યો છે. એટલું જ નહીં પણ વ્યાજ સાથે મૂદ્દલ મળી હવે 5 લાખની બાકી નીકળતી રકમનો હિસાબ બતાવી દર મહિને 50 હજાર વ્યાજ માંગી રહ્યો છે. વ્યાજ નહિ આપતા જુદાજુદા મોબાઈલ ટેલિફોન નંબર પરથી ધમકીઓ આપી રહ્યો છે, આ મામલે વેપારી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે, સાથે સાથે જેલમાંથી જે ધમકી આપવામાં આવે છે તેની ઓડિયો કલીપ પણ સોશિયલ મીડિયામાં વાઇરલ કરવા સાથે પોલીસને પુરાવા તરીકે આપીને પોતાને ન્યાય મળે તે માટે પણ રજુવાત કરી છે. હવે જોવાનું એ રહ્યુ કે પોલીસ આ મામલે કેવી પ્રકારની કાર્યવાહી કરે છે.