સુરત : શહેરના પર્વત પાટીયા વિસ્તારમાં રહેતી એક પરિણીતાને જેઠાણી સાથે બાળકોના રીઝલ્ટ બાબતે તકરાર થતા બે બાળકો સાથે તાપી નદીમાં આપઘાત કરવા પહોંચી હતી. જોકે એ પહેલા પરિણીતાએ પતિને જાન કરતા પતિએ આ મામલે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે પરિણીતા અને બાળકોને સમયસર પહોંચી બચાવી લીધા હતા.
સુરતમાં જેઠાણીના ત્રાસથી કંટાળી 2 સંતાનો સાથે આપઘાત કરવા નીકળેલી વેપારીની પત્નીને પોલીસે બચાવી લીધી હતી. પીસીઆરને કોલ મળતાં ટીમે માત્ર 4 મિનિટમાં જ હોપપુલ પર પહોંચી પરિણીતાને આત્મહત્યા કરતી અટકાવી હતી અને સમજાવી પતિ સાથે ઘરે રવાના કરી હતી.
પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા કંટ્રોલ રૂમે પરવત પાટિયા વિસ્તારની આજુબાજુના તમામ પોલીસ સ્ટેશનોને જાણ કરીને મહિલાને શોધવાની સૂચના આપી હતી. ત્યારબાદ કંટ્રોલરૂમને કોલ આવ્યો કે, હોપ પુલ પર એક મહિલા બે સંતાનો સાથે ઉભી છે અને શંકાસ્પદ છે. જેથી કંટ્રોલ રૂમ રાંદેર પોલીસને જાણ કરી હતી. રાંદેર પોલીસ સ્ટેશનને જાણ મળતા જ પીસીઆર માત્ર ચાર મિનિટમાં હોપ પુલ પર પહોંચી ગઈ હતી જ્યાં પરિણીતા તેના બે સંતાનો સાથે મળી આવી હતી. ત્યારબાદ પીસીઆર મહિલાને રાંદેર પોલીસ સ્ટેશનમાં લઈ આવી હતી. જ્યાં તેણીના પતિને પણ બોલાવવામાં આવ્યો હતો.
મહિલા પોલીસે પરિણીતાનું કાઉન્સેલિંગ કર્યું હતું. પરિણીતાએ પોલીસને જણાવ્યું હતું કે, તેની જેઠાણી તેને હેરાન કરે છે. પર્વત પાટીયા વિસ્તારમાં રહેતી પરિણીતાનો બાળકોના રીઝલ્ટ બાબતે જેઠાણી સાથે તકરાર થઇ હતી. જેથી જેઠાણીથી ત્રાસીને તે આત્મહત્યા કરવા નીકળી હતી. જો કે પોલીસ અધિકારીઓએ તેને સમજાવી તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. અને ભવિષ્યમાં કોઈ સમસ્યા હોય તો પોલીસની મદદ લેવાનું કહી પતિ સાથે ઘરે રવાના કરી હતી. ઉલ્લેખનીય છે કે આજના યુગમાં સામાન્ય બાબતોને લઈને હત્યા, મારામારી અને આપઘાત જેવી ઘટનાઓ વધવા પામી છે.