Home /News /surat /મેખલા ચાદર સાડી પર પ્રતિબંધથી સુરતના વેપારીઓનું કરોડોનું પેમેન્ટ અટક્યું, 500 કરોડનું નુકસાન થયાનો અંદાજ

મેખલા ચાદર સાડી પર પ્રતિબંધથી સુરતના વેપારીઓનું કરોડોનું પેમેન્ટ અટક્યું, 500 કરોડનું નુકસાન થયાનો અંદાજ

ફાઇલ તસવીર

આસામ સરકારે સુરતથી આયાત થતી મેખલા ચાદર સાડી પર મૂકાયેલા પ્રતિબંધના કારણે વિવર્સ અને ટ્રેડર્સની હાલાકીમાં વધારો થયો છે.

સુરતઃ આસામ સરકારે સુરતથી આયાત થતી મેખલા ચાદર સાડી પર મૂકાયેલા પ્રતિબંધના કારણે વિવર્સ અને ટ્રેડર્સની હાલાકીમાં વધારો થયો છે. અગાઉ આસામ મોકલવામાં આવેલી મેખલા ચાદર સાડીના માલનું અંદાજે 150 કરોડનું પેમેન્ટ અટકી પડતા વેપારીઓ ચિંતામાં મૂકાયા છે. આ ઉપરાંત સુરતના ગોડાઉન અને દુકાનોમાં પણ માલનો સ્ટોક થઈ જતા અંદાજિત 500 કરોડની નુકસાનનો અંદાજ માનવામાં આવી રહ્યો છે. આ મામલે કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ અને ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોશને માલનો નિકાસ કરવા વર્ષનો સમય આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આસામ સરકારના એકાએક આ નિર્ણય સામે સુરતનના વેપારીઓએ રોષ દર્શાવ્યો છે.

સુરતમાં તૈયાર થતી આસામી મેખલા ચાદર સાડીથી 20 હજાર જેટલા લોકો રોજગારી મેળવે છે. પરંતુ આસામ સરકાર દ્વારા ત્યાંના હેન્ડલૂમ એન્ડ હેન્ડિક્રાફ્ટની રજૂઆતને લઈ સુરતથી આયાત થતી મેખલા ચાદર સાડી પર હાલ જ પ્રતિબંધ મૂકી દેતા સુરતના હજારો વિવર્સ સને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. અગાઉ મોકલવામાં આવેલા 150 કરોડના માલનું પેમેન્ટ અટવાઈ ગયું. આ પેમેન્ટ કઢાવવા માટે વેપારીઓ અગ્રણીઓ સમયની માગ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ હવે IPL મેચની ટિકિટ અહીંથી ઓફલાઇન મેળવી શકાશે, 4 કેટેગરી ઉમેરાઈ 

આ ઉપરાંત તહેવારોની સિઝનને ધ્યાનમાં લઈ અગાઉથી તૈયાર કરવામાં આવેલા રૂપિયા 500 કરોડની મેખલા ચાદર સાડીનો માલ પણ હાલ ગોડાઉન અને દુકાનોમાં પડ્યો છે. તેનો નિકાલ કરવા એક વર્ષ સુધીનો સમય આપવામાં આવે તેવી માગ કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ અને દર્શના જરદોશને રજૂઆત કરવામાં આવી છે. આસામ સરકાર સાથે વાટાઘાટ કરી એક વર્ષ સુધીનો સમય મળે તેવી વેપારીઓની માગ છે. જેથી 500 કરોડની કિંમતનો સ્ટોક કરાયેલા માલનો નિકાલ કરી શકાય.



સુરતમાં તૈયાર થતી મેખલા ચાદર સાડી માત્ર 300 રૂપિયાથી લઈ 700 રૂપિયામાં આસામ મોકલવામાં આવે છે. આ સાડીને ત્યાંની ગરીબ વર્ગની મહિલાઓ પહેરે છે. પરંતુ મેખલા ચાદર સાડી 3 હજારથી લઈ 30 હજાર સુધીના ભાવે વેચાણ થાય છે. આ ગરીબ વર્ગને પરવડે તેમ નથી. સુરતમાં તૈયાર થતી મેખલા ચાદર સાડીથી 20 હજાર જેટલા લોકો રોજી-રોટી મેળવે છે. પરંતુ વર્તમાન સમયમાં ઉદ્ભવેલી પરિસ્થિતિને કારણે આ લોકોના ઘરના ચૂલા પણ બંધ થઈ ગયા છે. જેથી સુરત ટ્રેડર્સ એસોસિયેશન અને ફોગવા દ્વારા લેખિતમાં રૂબરૂ મળી ભાજપ અધ્યક્ષ સહિત કેન્દ્રિય મંત્રીને એક વર્ષ જેટલો સમય આપવામાં આવે તેવી રજૂઆત કરી છે. તેથી આગામી દિવસોમાં વેપારીઓ અને વિવર્સ સ્ટોક માલનો નિકાલ કરી અન્ય ક્વોલિટીનો માલ તૈયાર કરવાની શરૂઆત કરે છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Darshna Jardhosh, Surat news