સુરત: 20 રૂપિયા માટે એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરી નાખી, પહેલા માળેથી ધક્કો મારી દીધો
સુરત: 20 રૂપિયા માટે એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરી નાખી, પહેલા માળેથી ધક્કો મારી દીધો
પ્રતીકાત્મક તસવીર.
સુરતના સચિન વિસ્તારમાં રૂપિયા 20ની લેતીદેતીમાં ઝઘડા બાદ એક મિત્રએ બીજા મિત્રને પહેલા માળેથી ધક્કો મારી દીધો હતો, ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકે દમ તોડી દીધો.
સુરત: સુરત શહેરમાં દિવસ ઊગે અને હત્યા (Surat crime city)નો બનાવ બને છે. શહેરમાં હત્યા (Murder)ના બનાવોમાં સતત વધારાને પગલે પોલીસ દોડતી થઈ છે. શહેરમાં હત્યાની વધુ એક ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે 20 રૂપિયાની લેતીદેતીમાં યુવાનની હત્યા કરી દેવામાં આવી છે. ઓડિશાના હમ વતની બે યુવાનો સાથે દારૂ પીધા બાદ 20 રૂપિયાની લેતીદેતીમાં ઝઘડો કર્યો હતો. ઝઘડા દરમિયાન નશાની હાલતમાં એક યુવાને બીજા યુવાનને પહેલા માળેથી ધક્કો મારી દેતા તે નીચે પટકયો હતો અને મોત થયું હતું. આ કેસમાં પોલીસે દારૂના નશામાં યુવાનને ધક્કો મારનાર યુવકની ધરપકડ કરી લીધી છે.
સુરત જાણે કે ક્રાઇમ કેપિટલ બની રહ્યું હોય તેવા બનાવો દરરોજ સામે આવતા રહે છે. હવે સુરત શહેરમાં માત્ર 20 રૂપિયા માટે હત્યા કરવામાં આવી છે. સુરતના સચિન ખાતે આવેલા પાલી ગામમાં ડૉક્ટર રાજેન્દ્રની ચાલમાં કેટલાક યુવાનો રહેતા હતા અને મિલમાં મજૂરી કરી વતનમાં રહેતા પરિવારને આર્થિક મદદ કરતા હતા. જેમાંથી મોટાભાગના યુવાનો ઓડિશાના છે.
જેમાં બબલુ ગૌડા તેના પડોશમાં રહેતા ઉત્તમ ધનંજય મોહંતી બંને દારૂ પીવા માટે બેઠો હતો. દારૂ પીને આ બંને યુવાન વચ્ચે રૂપિયા 20ની લેતીદેતી બાબતે ઝઘડો શરુ થયો હતો. જોત જોતામાં ઝઘડાએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે ઉત્તમે પહેલા માળેથી બબલુને ધક્કો મારી દીધી હતો.
નીચે પડવાને કારણે બબલુના શરીરમાં ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઈજા બાદ તેને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી અને હત્યાનો ગુનો નોંધીને મૃતકના મિત્ર એવા ઉત્તમ ધનંજય મોહંતીની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં છાસવારે હત્યા, હત્યાના પ્રયાસ અને છેડતીના બનાવો બનતા રહે છે. જેને લઈને પોલીસે એક્શન પ્લાન પણ તૈયાર કર્યો છે. જોકે, ગુનેગારોને પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ દરરોજ ગુનાખોરીના બનાવો બનતા રહે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર