સુરત: 'લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે.' આ કહેવત તમે સાંભળી જ હશે. આ કહેવતને સાર્થક કરતા બનાવો પણ અવારનવાર સામે આવતા રહે છે. એટલે કે લોકો વિવિધ લાલચમાં આવીને છેતરપિંડીની ભોગ બનતા હોય છે. સુરતમાં મોબાઇલ કંપનીના સેલ્સ ઓફિસર યુવાનને પ્લેબોય કંપનીમાં એન્જોયમેન્ટની સાથે આવક અને પાર્ટ ટાઇમ જોબની ઑફર કરી અલગ-અલગ ચાર્જના નામે રૂ. 1.08 લાખ પડાવી લીધાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે કતારગામ પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે.
મજાની સાથે આવક અને પાર્ટ ટાઇમ જોબની ઑફરમાં સુરતના યુવાને રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા મોબાઇલ કંપનીના સેલ્સ ઓફિસર તરીકે કામ કરતા યુવકને ગત 18 એપ્રિલે ધારા નામની યુવતીનો કૉલ આવ્યો હતો. ધારાએ તમારે નોકરીની જરૂરિયાત હોય તો મારો મોબાઇલ નંબર સેવ કરી મેસેજ મોકલો એમ જણાવ્યું હતું. જેથી યુવકે હાનો મેસેજ કરતો રિપ્લાય આવ્યો હતો.
નાઇટ સ્પેન્ટ કરવાના મિનિમમ 25 હજાર મળશે
સામેથી જવાબ આપ્યો હતો કે, "હેલો સર, અમારી કંપની પ્લેબોય સર્વિસ પ્રોવાઇડ કરે છે અને એન્જોયમેન્ટની સાથે ઇન્કમ અને પાર્ટ ટાઇમ જોબ ઓફર કરે છે. જેમાં હાઇ પ્રોફાઇલ મહિલાઓ સાથે ટાઇમ સ્પેન્ટ, જેમ કે પાર્ટી, ઇવેન્ટ, ટુર અને સેક્સમાં પણ તમે ઇનવોલ્વ થઇ શકશો. પર ડેના 15 હજાર અને સાથે નાઇટ સ્પેન્ટ કરો તો મિનિમમ 25 હજાર મળશે. જો તમે ઇન્ટેરસ્ટેડ હોવ તો અમારી કંપનીના મેમ્બર બનવા 399 રૂપિયા ગૂગલ પે, ફોન પે અને યુપીઆઇથી ભરવા પડશે."
યુવતીએ મેસેજમાં વધુમાં લખ્યું હતું કે, "તમારે ઓનલાઇન ફોર્મ ફિલ કરવાનું અને પોતાની ઓળખ છૂપાવવા માંગતા હોવ તો તે પણ રાખી શકશો. ડિટેઇલ ભર્યા બાદ તમારા પ્રથમ ક્લાઇન્ટની માહિતી મોકલી આપવામાં આવશે."
ધારા નામની યુવતીની આવી વાત બાદ યુવાને તેણીએ મોકલાવેલા ક્યુઆર કોડ સ્કેન કરીને 399 રૂપિયા ચૂકવી દીધા હતા. બાદમાં માનસી અને પ્રિયંકા નામની યુવતીના કોલ અને મેસેજ પર વાતચીત કરી પ્લેબોય કંપનીનો એગ્રીમેન્ટ અને આઇકાર્ડ બનાવવા, હોટલ બુક કરવા પહેલા યુવકને પેમેન્ટ કરવાનું અને ત્યાર બાદ તમામ રકમ મળી જશે એમ કહી ટુકડે ટુકડે રૂપિયા 1.08 લાખ પડાવી લીધા હતા. જે બાદમાં ત્રણેયએ પોતાના ફોન બંધ કરી દીધા હતા. જે બાદમાં યુવકને અંદાજ આવી ગયો હતો કે તેની સાથે છેતરપિંડી થઈ છે. આ મામલે તેણે કતારગામ પોલીસમાં ફરિયાદ આપી હતી. કતારગામ પોલીસે લોકેશનના આધારે યુવતીઓને ઝડપી લેવા માટે સૌરાષ્ટ્રમાં ધામા નાખ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર