સુરત: સરકાર ભલે દારૂબંધીના મોટા દાવા કરતી હોય પરંતુ ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર સિમિત હોય તેવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. આવામાં સુરતમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડયો છે. સુરતના વેસુ વિસ્તારમાં ફાસ્ટફૂડની આડમાં વિદેશી દારૂનું વેચાણ કરતા શખ્સના ઘરે પોલીસે છાપો મારી વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો સહિત બિયરના ટીનનો જથ્થો કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
ફ્લેટમાં મોંઘીદાટ વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી
સુરતના વેસુ વિસ્તારમાં આવેલી હાઈટેક રેસિડેન્સીના બીજા માળે આવેલા ફ્લેટમાં પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી. અહીં આવેલા ફ્લેટમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો સહિત બિયરના ટીન મળી આવ્યા હતા. ફ્લેટમાં મોંઘીદાટ વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી. જ્યાં ફ્લેટમાંથી વેસુ પોલીસે સુનિલ મહેશચંદ્ર શાહની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને બિયરના ટીન મળી કુલ 50 હજારથી વધુની મત્તાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દારૂના જથ્થા અંગે પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપી વેસુ વિસ્તારમાં ફાસ્ટફૂડનો ટેમ્પો ચલાવે છે. જે ફાસ્ટફૂડની આડમાં માનીતા ગ્રાહકોને દારૂની બોટલો પણ સપ્લાય કરતો હતો. વિદેશી દારૂનો જથ્થો કોના પાસેથી લાવવામાં આવતો હતો, તે દિશામાં વેસુ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આરોપી આ પ્રકારનો વેપાર કેટલા સમયથી કરતો હતો, તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. સૌથી મહત્વની વાત છે કે, પકડાયેલા આરોપીને દારૂનો જથ્થો કોણ અને કેવી રીતે સપ્લાય કરતો હતો, તે દિશામાં પણ પોલીસે હાલ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે પોલીસ તપાસ દરમિયાન અનેક ખુલાસા થાય તેવી શકયતા છે.